રાજકોટમાં 10 વર્ષીય બાળકીએ ટ્યુશનમાં ઠપકાથી બચવા કર્યું અપહરણનું નાટક : પોલીસને હંફાવી નાંખી
ગુજરાતના રાજકોટમાં(Rajkot) 10 વર્ષની બાળકીએ ટ્યુશનમાં જવાનું ટાળવા માટે એવો ડ્રામા રચ્યો કે સમગ્ર જિલ્લાની પોલીસ કલાકો સુધી પરેશાન થઈ ગઈ. આ છોકરીનું હોમવર્ક પૂરું નહોતું અને તેને ડર હતો કે તેને ટ્યુશનમાં ઠપકો મળશે. આવી સ્થિતિમાં યુવતીએ અફવા ફેલાવી હતી કે તેનું અપહરણ થયું છે. આ માહિતીના આધારે પોલીસ એક્શનમાં આવી હતી અને છોકરીના ઘરથી લઈને તેના ટ્યુશન સ્થળ સુધી અને આંતરિક રસ્તાઓથી લઈને જિલ્લાની સરહદો સુધી ચાંપતી નજર રાખી હતી.
અંતે જ્યારે સીસીટીવી જોયા તો બાળકીનું જુઠ્ઠાણું બહાર આવ્યું. જે બાદ પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. મામલો રાજકોટના પ્રદ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.બાળકીએ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેનું હોમવર્ક પૂરું થયું ન હતું, તેથી તે ટ્યુશનમાં જવા માંગતી ન હતી. પરંતુ તેની માતા તેને બળજબરીથી મોકલી રહી હતી. જેથી તેણી ટ્યુશન માટે ઘરેથી નીકળી હતી, પરંતુ એક કલાક પછી પરત આવી હતી અને કહ્યું હતું કે તેણીનું અપહરણ થયું છે.આ માહિતીથી તેણીના પરિવારજનો ડરી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
કારણ કે મામલો એક માસૂમ બાળકના અપહરણનો હતો. આથી રાજકોટ પોલીસે તાકીદે 80 પોલીસ કર્મચારીઓની ટીમ અપહરણકારોને પકડવા મોકલી હતી. પોલીસે જિલ્લાના દરેક ખૂણે ખૂણે શોધખોળ કરી અને નાકાબંધી ગોઠવી, પણ ક્યાંય કોઈ સુરાગ મળ્યો નહીં. અંતે, જ્યારે સીસીટીવી જોયા, ત્યારે ખબર પડી કે આ ઘટના માત્ર છોકરીનું કૃત્ય છે. બાળકીએ જણાવ્યું કે તેણે આ નાટક તેના મિત્રની સલાહ પર બનાવ્યું છે. તેણે જણાવ્યું હતું કે પોપટપરામાં તેનું ઘર છોડ્યાના થોડા સમય બાદ તેનું એસયુવીમાં અપહરણ કરવામાં આવ્યું હતું, બાદમાં તેને રેલ્વે લાઇન પછી અપહરણકારો પાસેથી છોડાવી હતી.