કચ્છમાં તિલક અને ગૌમુત્રના છંટકાવ પછી જ મળશે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ
ગુજરાતમાં ગરબા (Garba) ઈવેન્ટ દરમિયાન બિનહિન્દુઓના પ્રવેશને રોકવા માટે આયોજકો કડક બનવા લાગ્યા છે. ગરબા ઈવેન્ટમાં પ્રવેશતા પહેલા ખેલાડીઓને તિલક અને ગૌમૂત્રથી છંટકાવ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે. નશાની હાલતમાં કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં.
નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આયોજકોએ ગરબામાં પ્રવેશ અંગેના તેમના નિયમો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ આયોજકોએ આ દિશામાં નિયમો બનાવવાનું શરૂ કર્યું છે, જેથી ગરબા દરમિયાન બિનહિન્દુઓને પ્રવેશતા અટકાવી શકાય. કચ્છમાં હિન્દુ સંગઠન દ્વારા નવરાત્રિ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રવેશ દ્વાર પર તિલક અને ગૌમૂત્રનો છંટકાવ કર્યા બાદ બિનહિંદુઓને પ્રવેશ આપવા દેવાની જાહેરાત કરી છે.
ભુજમાં નવરાત્રીના આયોજક રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના ભુજ, માંડવી, અંજાર અને ગાંધીધામમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી ઉત્સવની ગરિમા જાળવી રાખવા માટે તેમની સંસ્થા દ્વારા 2015 થી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગરબામાં ભાગ લેનાર ખેલાડીઓને તિલક લગાવીને અને ગૌમૂત્રનો અભિષેક કર્યા બાદ અંદર આવવા દેવામાં આવે છે. તેનો આશય એવા તત્વોને રોકવાનો છે જે ખોટા ઈરાદા સાથે ગરબાના આયોજનમાં સામેલ છે. આ સિવાય નશાની હાલતમાં કોઈને પણ ગરબામાં ભાગ લેવાની છૂટ નથી.
વડોદરામાં તિલક વિના પ્રવેશ નહીં
ડભોઈ, વડોદરાના ગઢભવાની કલ્ચર ગ્રુપે પણ જાહેરાત કરી છે કે તેમને તિલક લગાવ્યા વિના ગરબા ઈવેન્ટમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. અહીં ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા આ જૂથના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છે. તેમજ ખેલાડીઓને ટ્રેડિશનલ ડ્રેસમાં આવવા માટે કહેવામાં આવ્યું છે.
અમદાવાદમાં તૈયારીઓ ચાલી રહી છે
આ વર્ષે અમદાવાદમાં લગભગ 50 પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત શેરી ગરબા, સોસાયટીઓ અને અન્ય નાના કક્ષાએ ગરબાનું આયોજન કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. પ્રશાસન સુરક્ષાને લઈને સતર્ક છે અને આ વખતે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.