Surat : પાડાના વાંકે પખાલીને ડામ ! 24 બાય 7 યોજનાના અમલીકરણ માટે હાઈડ્રોલિક વિભાગનું અવનવું
મનપાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો પૈકીના 24 બાય 7 વોટર સપ્લાય સ્કીમમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાવા પામ્યો છે. હાલમાં જ શહેરના પાલ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં હાઈડ્રોલિક વિભાગ દ્વારા રહેવાસીઓને નોટિસ પાઠવીને નળ કનેકશન ગેરકાયદેસર હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. હાઈડ્રોલિક વિભાગ દ્વારા પાઠવવામાં નોટિસમાં વોટર મીટર ફીટીંગ માટે થઈ રહેલા વિલંબમાં રહેવાસીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. જોકે, રહેવાસીઓ દ્વારા સોસાયટીઓમાં વોટર સપ્લાય સ્કીમ માટે નક્કી કરવામાં ઈજારદારના માણસો દ્વારા કોઈપણ પ્રકારનો સર્વે કે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
શહેરના પાલ વિસ્તારમાં આવેલ જ્ઞાન સાગર સોસાયટીમાં હાલમાં જ તમામ રહેવાસીઓને હાઈડ્રોલિક વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવતાં હોબાળો મચી જવા પામ્યો છે. સોસાયટીના રહેવાસીઓને હાઈડ્રોલિક વિભાગે પાઠવેલ નોટિસમાં 24 બાય 7 યોજના હેઠળ વોટર સપ્લાય સ્કીમના કોન્ટ્રાક્ટર સ્કાયવે ઈન્ફ્રા પ્રોજેક્ટ – શ્રી રંગ સેલ્સ કોર્પોરેશન દ્વારા વોટર મીટર માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવેલ હોવા છતાં સોસાયટીના સભ્યો દ્વારા ફોર્મ સ્વીકારવામાં કે ફોર્મ ભરીને પરત કરવામાં આવેલ ન હોવાનું જણાવવામાં આવ્યું છે. વધુમાં નોટિસમાં ઈજારદારના પ્રતિનિધિ દ્વારા અવાર – નવાર સંપર્ક કરવામાં આવેલ હોવા છતાં સહકાર ન મળ્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આટલું ઓછું હોય તેમ નોટિસમાં વોટરકોડ-4ના નિયમનો ઉલ્લેખ કરીને નળજોડાણ નિયમબદ્ધ ન હોવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહાનગર પાલિકાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટો પૈકીના એક એવા આ પ્રોજેક્ટની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોવાના કારણે જે નોટિસ પાઠવવામાં આવી છે તેમાં સ્વયં સોસાયટીના રહેવાસીઓને જવાબદાર ઠરાવવામાં આવ્યા છે અને આના માટે જો સહયોગ નહીં આપવામાં આવે તો પાણી પુરવઠો બંધ કરવા સુધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
જેને પગલે સોસાયટીના રહેવાસીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સોસાયટીના રહેવાસીઓએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, વોટર સપ્લાય સ્કીમ હેઠળ આજ દિન સુધી તેમની સોસાયટીમાં કોઈપણ પ્રકારનો સર્વે થયો નથી કે ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું નથી. મનપાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા આ સંદર્ભે આ યોજનાના કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવવાને બદલે સોસાયટીના રહેવાસીઓને જ નોટિસ પાઠવી દેવામાં આવતાં હવે કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર જ પ્રશ્નાર્થ ઉદ્ભવ્યા છે.
સર્વે કે ફોર્મ વિતરણ કરાયું નથીઃ સોસાયટીના પ્રમુખ
પાલ વિસ્તારની સોસાયટીમાં હાઈડ્રોલિક વિભાગની નોટિસને પગલે રહેવાસીઓમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ સંદર્ભે સોસાયટીના પ્રમુખ ભીમજીભાઈએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષથી સોસાયટીના પ્રમુખ અને આજ દિન સુધી આ સોસાયટીમાં મનપાની વોટર સપ્લાય યોજના હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો નથી કે પછી કોઈપણ પ્રકારના ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું નથી. હવે જ્યારે અચાનક હાઈડ્રોલિક વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે તો રહેવાસીઓને જ જવાબદાર ઠેરવીને વોટર સપ્લાય બંધ કરી દેવાની ચીમકીને પગલે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
હાઈડ્રોલિક વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને છાવરવાનો પ્રયાસ
શહેરના પાલ વિસ્તારમાં 24 બાય 7 વોટર સપ્લાય માટે સ્કાયવે ઈન્ફ્રાપ્રોજેક્ટ પ્રા. લી. – શ્રી રંગ સેલ્સ કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ આ કંપનીના કર્મચારીઓ દ્વારા જ્ઞાન સાગર સોસાયટીના પ્રમુખ સાથે કોઈપણ પ્રકારની મીટિંગ કરવામાં આવી નથી અને ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું નથી. ત્યારે આ પ્રકારે સોસાયટીના રહેવાસીઓને સીધે – સીધી નોટિસ ફટકારી દેવામાં આવતાં કોન્ટ્રાક્ટર કે તેના જવાબદાર કર્મચારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનો સૂર પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સોસાયટીના રહેવાસીઓએ આ અંગે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા સંભવતઃ કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.