ખેલો ઈન્ડિયા જુનિયર વેઇટલિફ્ટિંગ વુમન્સ રેન્કિંગ ચેમ્પયનશીપ માં ગુજરાતની મહિલા વેઈટલિફ્ટર આયુષી ગજ્જરે પ્રથમ વખત ગોલ્ડ મેડલ હાંસલ ઈતિહાસ રચ્યો
હાલમાં તારીખ 23 થી 29 માર્ચ 2023 દરમિયાન બાસ્કેટબોલ કોર્ટ, શ્રી કાંતિરવા સ્ટેડિયમ, બેંગલુરુ, કર્ણાટક ખાતે ચોથી ખેલો ઈન્ડિયા જુનિયર નેશનલ રેન્કિંગ મહિલા વેઈટલિફ્ટિંગ ટુર્નામેન્ટ 2023 યોજાય રહી છે જેમાં જુનિયર કેટેગરીની 87 કિગ્રાની ઇવેન્ટમાં આયુષી ઉમેશભાઈ ગજ્જરે 74 કિલો સ્નેચ અને 97 કિલો ક્લિન એન્ડ જર્ક મળી કુલ 171 કિલો વેઇટ લિફ્ટ કરી ગોલ્ડ મેડલ જીત્યો છે. આયુષીએ પોતાની પ્રતિસ્પર્ધિને માત્ર 1 કિલોના માર્જીનથી હરાવી ગોલ્ડ જીત્યો હતો. ગુજરાતમાં કોઇ મહિલા વેઇટલિફ્ટર દ્વારા નેશનલ લેવલની વેઈટલિફ્ટિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે.
ઉલ્લેખનીય છે કે, આયુષીએ ચાલુ માસમાંજ યોજાયેલી 4થી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને પટિયાલા ખાતે યોજાયેલ ઈન્ડયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનની 16મી યુથ નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પયનશીપમાં પણ સીલ્વર મેડલ મેળવેલ હતો અને સુરત તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ હતું.
આયુષી ગજ્જર “સુરત વેઇટલિફ્ટીંગ ક્લબ” ખાતે કોચ સારથી ભંડારી તથા સ્પોર્ટ્સ ન્યુટ્રીશનીસ્ટ તેજસ પચ્ચીગર પાસેથી તાલીમ મેળવે છે. આયુષીની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ગુજરાત રાજ્ય ગુજરાત વેઈટલિફ્ટિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી કૌશિકભાઈ મિસ્ત્રી, સેક્રેટરી ડૉ. મયુર પટેલે અને સુરત ડીસ્ટ્રીક્ટ વેઇટલિફ્ટીંગ એસોસીએશનના પ્રમુખ શ્રી અમિત રાઠોડે, આયુષી ગજ્જર અને કોચ સારથી ભંડારી ને શુભેચ્છાઓ પાઠવી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.