સુરતમા કન્સ્ટ્રક્શન સાઈટ પર ત્રીજા માળેથી નીચે પટકાતા પાંચ વર્ષીય બાળકનું મોત
સુરતના યોગીચોક વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા મજૂર દંપતીના પુત્રનું ત્રીજા માળેથી પટકાતા મોત નીપજ્યું છે. 28 તારીખના રોજ આ ઘટના બની હતી જ્યાં બાળક ત્રીજા માળેથી પટકાતા ગંભીર રીતે ઘવાયો હતો જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા સાત દિવસની સારવાર બાદ આજરોજ બાળકનું મોત નિપજ્યુ હતું.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના બીજોરીગામના વતની અને ચાર થી પાંચ વર્ષ અગાઉ રોજગારી અર્થે સુરત આવેલા બહાદુર ભાઈ ભાભોર અને તેમની પત્ની બે બાળકો સાથે વરાછા ખાતે રહે છે. અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. ત્યારે ગત તારીખ 28 માર્ચના રોજ બહાદુર ભાઈ તેમની પત્ની સાથે યોગીચોક વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટી નજીક નવા બનતી બિલ્ડીંગમાં મજુરી કામ અર્થે બાળકને લઈ ને ગયા હતા. અને બપોરના સમયે આ પરિવાર જમીને આરામ કરી રહ્યું હતુ. ત્યારબાદ પતી પત્ની થોડીવાર મા ઉઠીને કામ કરવા લાગ્યા હતા તે સમયે ત્રીજા માળે સુતુ તેમનો પાંચ વર્ષનો બાળક અચાનક નીચે પટકાયો હતો.ઘટના અંગે જાણ થતાં સાઇટ પર કામ કરતા મજૂરો અને કોન્ટ્રાકટર સ્થળ પર દોડી આવ્યા હતા અને બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં લઇ ગયા હતા. પરંતુ ત્યાં ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચો વધારે થતાં બાળકને સ્મીમેરના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સાત દિવસની સારવાર બાદ આજરોજ બાળકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાઉ થઈ ગયો હતો.
બાળકના મોત બાદ આ મામલે સમાજના આગેવાન હિતેશ ભાઈ મૂદવાડાએ જણાવ્યું હતું કે ઘટના બાદ બાળકને હોસ્પિટલ પહોચ્યા હતા અને આ બાબતે કોન્ટ્રાક્ટરને ફોન કરીને જાણ કરતા તેઓએ ખાનગી હોસ્પિટલમાં લાખ્ખોની ખર્ચો થતો હોવાને કારણે બાળકને સ્મીમેરના હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાનું જણાવ્યું હતું.તેઓએ વધુમાં રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો બાળકને ખાનગી હોસ્પિટલમા તાત્કાલિક સારવાર મળી હોત તો કદાચ તે બચી જાત પરંતુ કોન્ટ્રકટરેરૂપિયા બચાવવાની લાલચે બાળકને સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યું હતું અને બાદમાં તેનું મોત થયું છે.હાલ આ સમગ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.