સવારે લોકો ઉઠે તે પહેલા જ સુરતીઓએ પોતાના નામે બનાવી દીધો યોગા દિવસ માટે વર્લ્ડ રેકોર્ડ
વિશ્વ યોગ દિવસે(World Yoga Day) બુધવારે સવારે ફરી એકવાર સુરતનું નામ વિશ્વ ફલક પર લખાયું છે. સુરતમાં આયોજિત રાજ્ય કક્ષાના યોગ કાર્યક્રમમાં એક સાથે 1.50 લાખ લોકો એક જ સ્થળે યોગાસન કરીને શહેરનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું.
સુરતના નામે વર્લ્ડ રેકોર્ડ સર્જાય તે હેતુથી સુરત મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘણા દિવસોથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. બુધવારે સવારે 6 થી 8 દરમિયાન આયોજિત યોગ કાર્યક્રમ માટે વાય જંકશનથી એસવીએનઆઈટી સર્કલ અને વાય જંકશનથી બ્રેડ લાઈનર સર્કલ સુધીના છ કિમીના અંતરે યોગાભ્યાસ માટે 125 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ સ્થળોએ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી હતી.
બુધવારે સવારે 1.25 લાખથી વધુ લોકો યોગાસન કરવા અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે અહીં એકઠા થયા હતા. દોઢ લાખ લોકોએ એકસાથે યોગા કરીને સુરતના નામે નવો ગિનિસ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.