જંગી સ્કોર બનાવ્યા બાદ પણ બાબરની ટીમનો જોરદાર પરાજય
પાકિસ્તાનના (Pakistan) કેપ્ટન બાબર આઝમના માથે 482 રનનું કલંક છે. હકીકતમાં, બાબર(Babar) હાલમાં પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝાલ્મીનું નેતૃત્વ કરી રહ્યો છે અને પેશાવર તેની અગાઉની બંને મેચ હારી ચૂક્યું છે. તે પણ 240 અને 242 રન બનાવવા છતાં એટલે કે કુલ 482 રનનો સ્કોર બાબરને કામ નથી લાગ્યા. બાબરની ટીમ મોટો ટાર્ગેટ આપવા છતાં તેને બચાવવામાં નિષ્ફળ રહી હતી. છેલ્લી બે મેચમાં બાબરના બોલરોનો જોરદાર પરાજય થયો હતો. હવે બોલિંગ લાઇન અપ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
લીગની 27મી મેચમાં પેશાવરે મુલ્તાન સુલ્તાન સામે બેટિંગ કરતા 6 વિકેટે 242 રન બનાવ્યા હતા. શ્યામ અય્યુબે 33 બોલમાં 58 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન બાબરે 39 બોલમાં 73 રન બનાવ્યા હતા. મોહમ્મદ હરિસે 11 બોલમાં 35 રન, ટોમ કોહલર કેડમોરે 18 બોલમાં 38 રન ફટકાર્યા હતા.
પેશાવરના બેટ્સમેનોએ હંગામો મચાવ્યો, પરંતુ તેમના બોલરો ખરાબ રીતે ફ્લોપ રહ્યા અને તેમનો સ્કોર બચાવી શક્યા નહીં. પેશાવરના બોલરોએ પોતાની જ ટીમના બેટ્સમેનોની મહેનત બરબાદ કરી નાખી. પેશાવરના બોલરોએ મુલતાન માટે આ કામ સરળ બનાવી દીધું હતું. મુલતાનના રિલે રુસોએ 51 બોલમાં 121 રન અને કેઈન પોલાર્ડે 25 બોલમાં 52 રન બનાવ્યા હતા.
સતત 2 મેચ હારી
મુલતાને 243 રનનો ટાર્ગેટ પ્રથમ 5 બોલમાં 6 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. પેશાવરે 243 રનનો ટાર્ગેટ આપ્યો હતો, છતાં ટીમ હારી ગઈ હતી. જ્યારે પેશાવરે છેલ્લી મેચમાં ક્વેટા ગ્લેડીયેટર્સને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો, તેમ છતાં તેને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં બાબરે 65 બોલમાં 115 રન, રોવમેન પોવેલે 18 બોલમાં 35 રન બનાવ્યા હતા. જવાબમાં ક્વેટાના ઓપનર જેસન રોયે 63 બોલમાં 145 રન બનાવ્યા હતા. જેસન રોયે 20 ચોગ્ગા ફટકાર્યા હતા. બાબરની ટીમ પીએસએલમાં તેની અગાઉની બંને મેચોમાં મોટો સ્કોર કરવા છતાં સ્કોર બચાવી શકી ન હતી.