ગ્લેંડર રોગને પગલે મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર સાબદું:તબેલાનાં માલિકો અને રખેવાળનાં સેમ્પલ લેવાયા
લાલ દરવાજા સ્થિત અશ્વો, તલેબાનાં માલિકો અને રખેવાળનાં સેમ્પલ લેવાયા, લગ્નસિઝનમાં ઘોડા અને બગીઓનાં બુકિંગ રદ્દ થવા લાગ્યાશ
હેરના અશ્વ પાલકોમાં હાહાકાર મચાવનાર ગ્લેંડર ડિસિઝને પગલે વહીવટી તંત્ર સાબદું થઈ ચુક્યું છે. છ ઘોડામાં ગ્લેડરનો રિપોર્ટ પોઝીટીવ તમામ આવ્યા બાદ જિલ્લા કલેકટરનાં આદેશને આધારે આ ઘોડાઓને દયામૃત્યુ આપી ખજોદ ખાતે આવેલ ડિસ્પોઝલ સાઈટ પર દફનાવી દેવામાં આવ્યા હતા. બીજી તરફ સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુઓ સહિત તેમના સંપર્કમાં રહેનાર માણસોના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધવામાં આવી છે. આજે લાલ દરવાજા વિસ્તારમાં બે ઘોડા સહિત તબેલાની રખેવાળી કરનાર ત્રણ માણસોના સેમ્પલો લઇને ચકાસણી અર્થે અમદાવાદ મોકલાયા છે.
શહેરના લાલ દરવાજા વિસ્તારમાં છ અશ્વોમાં ગ્લેંડરના લક્ષણો જોવા મળતાં તેઓના રીપોર્ટ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રદ્વારા તાત્કાલિક આ તમામ પોઝિટિવ આવેલ ઘોડાઓને ઈન્જેકશન આપીને દયામૃત્યુ આપવામાં આવ્યું હતું. જ્યારે આજે સવારથી લાલ દરવાજા વિસ્તારમાં ૧૫૦ અશ્વો સહિત તેમના સંપર્કમાં રહેતા નાગરિકોના રિપોર્ટની કામગીરી યુદ્ધસ્તરે હાથ ધરવામાં આવી હતી. આજે સવારથી પાલિકાના આરોગ્ય વિભાગ સહિત પશુપાલન વિભાગની અલગ – અલગ ટીમો દ્વારા અશ્વો અને તેમના સંપર્કમાં રહેતા નાગરિકોના રીપોર્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા હાલની સ્થિતિને ધ્યાને રાખીને લાલ દરવાજા અને તેની આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં ઘોડાઓને બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આગામી એક મહિના સુધી આ વિસ્તારમાં ઘોડાઓને બહાર લઈ જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હોવાને કારણે લગ્નસરામાં ઘોડા અને બગીઓનાં બુકિંગ પણ ધડાધડ રદ્દ થવા લાગ્યા છે.