સુરતમા વધતા સિઝનલ ફ્લૂને કારણે તંત્ર સજાગ: ઑક્સિજન,વેન્ટિલેટર સાથેના બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ
સુરતમા વધતા સિઝનલ ફ્લૂને કારણે ઑક્સિજન અને વેન્ટિલેટર સાથેના બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ
સુરત શહેરમાં એક તરફ ફરી કોવિડના પોઝિટિવ કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.ગતરોજ કોવિડના વધુ ૧૦ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. તો બીજી તરફ સીઝનલ ફ્લૂના કેસો મા પણ વધારો થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.અને વધતા કેસને લઈ તૈયારી કરવા કલેક્ટરના આદેશ બાદ સ્મીમેર હોસ્પિટલમાં ઓકસીજન અને વેન્ટિલેટર સાથે 8 બેડની આ ઉપરાંત સિવિલ સ્ટેમ સેલ્સ હોસ્પિટલ માં 10 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.
સુરત મનપા દ્વારા કોવિડના વધતાં કેસો, એચ૩એનર ના કેસોના ભયને કારણે ઉધના-મગદલ્લા રોડ સ્થિત આઇસીસીસી ખાતે કંટ્રોલરૂમ પણ શરુ કરી દીધો છે.ડેપ્યુટી કમિશનર (હેલ્થ) ડો. આશીષ નાયક તથા આરોગ્ય અધિકારી ડો. ઉમરીગર દ્વારા સતત શહેરમાંથી નવા મળનારા પોઝિટિવ કેસોની હિસ્ટ્રી તથા કોન્ટેક ટ્રેસિંગની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. તો બીજી બાજુ સિઝનલ ફ્લૂ ને કારણે પણ લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે સુરત સિલિવ તંત્ર પણ સજાગ થયું છે.
સુરત સિવિલ સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવરેકરએ જણાવ્યું છે કે સીઝનલ ફ્લૂના વધતા કેસોને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભર ઉનાળે પડેલા માવઠા અને વાતાવરણના પલટા બાદ સીઝનલ ફ્લૂના રોજના 150 થી 200 કેસો નોંધાઈ રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા અગમચેતીના ભાગ રૂપે અલાયદી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.સિવિલ સ્ટેમ સેલ્સ હોસ્પિટલ ખાતે ઓકસીજન અને વેન્ટિલેટર સાથેની 10 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.અને સાથે જ કોવીડ હોસ્પિટલ પણ કાર્યરત છે.
હાલ બદલાતાં વાતાવરણને કારણે શરદી, ખાંસી, તાવના કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવ વધી રહ્યા છે. આ સ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને માસ્કનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે તથા શરદી-ખાંસી જેવી ફરિયાદ હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા પણ સુચન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે હાલ શહેરમાં સીઝનલ ફ્લૂ સહિત કોરોનાનાં કેસો પણ વધી રહ્યા છે.ગત સપ્તાહથી શહેરમાં કોવિડના કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિ થઇ રહી છે. ગત સપ્તાહમાં શહેરની એક ખાનગી લેબમાંથી ટેસ્ટિંગ દરમિયાન પોઝિટિવ કેસ મળતાં ઝડપથી પોઝિટિવ કેસોની સંખ્યા ડબલ ડિજિટમાં પહોંચી જશે તેવી સંભાવના વ્યક્ત કરાતી હતી અને ગતરોજ કોવિડના ૧૦ પોઝિટિવ કેસો નોંધાયા છે. લિંબાયત ઝોનમાં સૌથી વધુ ૩ અને કતારગામ ઝોનમાં બે કેસો નોંધાયા છે.