જુઓ Photos : સુરતના જાહેર શૌચાલયોમાં બનેલા દિવ્યાંગ ટોયલેટ બ્લોક ફક્ત નામના
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારોમાં આવેલા જાહેર શૌચાલયોમાં દિવ્યાંગોની સુવિધાને ધ્યાને રાખીને અલાયદા ટોયલેટ્સ બ્લોક બનાવવામાં આવ્યા છે. જો કે, આ ટોયલેટ્સ બ્લોક પર કાયમી લટકતા ખંભાતી તાળા દિવ્યાંગો માટે અભિશાપ રૂપ સાબિત થઈ રહ્યા છે.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલા આ ટોયલેટ્સ બ્લોકનો ઉપયોગ કરતાં પહેલા દિવ્યાંગોએ જાહેર શૌચાલયના સંચાલકો પાસે ચાવી માટે આજીજી કરવી પડે તેવી સ્થિતિને પગલે ઘણી વખત દિવ્યાંગોની હાલત દયનીય થવા પામે છે.
સ્વચ્છતા સર્વેક્ષણના શિખર પર બિરાજવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ તબક્કે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને આરોગ્ય વિભાગ દ્વારા આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સુરત શહેરને પહેલો નંબર મળે તે માટે અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ શહેરમાં આવેલા પે એન્ડ યુઝ ટોયલેટ્સ બ્લોકમાં દિવ્યાંગો માટે અલાયદા બનાવવામાં આવેલા ટોયલેટ બ્લોક શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યા છે. લાખ્ખો – કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલા આ ટોયલેટ બ્લોકનો ઉપયોગ કરતાં પહેલા દિવ્યાંગોએ ચાર વખત વિચાર કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
દિવ્યાંગોને કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટે શહેરભરના જાહેર શૌચાલયોમાં રેમ્પ સાથેના અલાયદા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. જોકે, આ ટોયલેટ બ્લોકના દરવાજે 24 કલાક અને 365 દિવસ તાળા તટકતા હોવાને કારણે દિવ્યાંગોની હાલત કફોડી થવા પામે છે.
શૌચાલયનો ઉપયોગ કરતા પહેલા દિવ્યાંગોએ નાછૂટકે પે એન્ડ યુઝનું સંચાલન કરતા ઈસમ પાસે દિવ્યાંગ ટોયલેટ માટેની ચાવી માંગવી પડે છે અને ત્યારબાદ પુનઃ તાળુ મારીને ચાવી આ સંચાલકોને પરત કરવી પડતી હોય છે. આ સ્થિતિમાં મોટા ભાગના દિવ્યાંગો જાહેર શૌચાલયોનો ઉપયોગ કરવાનું પણ કમને ટાળી રહ્યા છે. દિવ્યાંગોની સુવિધાને ધ્યાને રાખીને બનાવવામાં આવેલા ટોયલેટ્સ બ્લોક બહાર લટકતા તાળા જાણે દિવ્યાંગોની મજબુરી સામે અટ્ટહાસ્ય કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.
ટોયલેટ બ્લોકમાં ચોરીના નામે લટકતાં તાળા
આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરભરમાં આવેલા દિવ્યાંગ ટોલયેટ પે એન્ડ યુઝની ઈમારતની બહાર આવેલા હોવાને કારણે તેમાં ચોરીની પ્રબળ આશંકા રહે છે. જેને કારણે સંચાલકો દ્વારા આ ટોલયેટ બ્લોક્સના દરવાજા પર તાળા મારવામાં આવે છે. અલબત્ત, ચોરીને કારણે જે તાળા મારવામાં આવ્યા છે તેના કારણે દિવ્યાંગો માટે બનાવવામાં આવેલા જાહેર શૌચાલયોનો ઉદ્દેશ્ય જ બર ન આવતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
તાળા દુર કરવા સૂચના અપાશેઃ આરોગ્ય સમિતિ ચેરમેન દર્શિની કોઠિયા
શહેરના તમામ ઝોન વિસ્તારોમાં આવેલા પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોકની પાસે દિવ્યાંગો માટે બનાવવામાં આવેલા અલાયદા ટોયલેટ બ્લોક પર તાળા અંગે આરોગ્ય સમિતિ ચેરમેન દર્શિનીબેન કોઠિયાનું ધ્યાન દોરવામાં આવતાં તેઓએ આ અંગે જણાવ્યું હતું કે, આ સંદર્ભે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં દિવ્યાંગોને કોઈપણ પ્રકારની સમસ્યા ન ઉદ્ભવે તે અંગેનું પણ ધ્યાન રાખવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના તમામ દિવ્યાંગ ટોયલેટ બ્લોકના દરવાજા પર લગાવવામાં આવેલા તાળા તાત્કાલિક દુર કરવામાં આવશે.