કૃષ્ણ જન્માષ્ટમી પર બાળ ગોપાલ માટે સુંદર આભૂષણો અને વાઘાનું ધૂમ વેચાણ
શહેરમાં જન્માષ્ટમીની (Janmashtami) ધામધૂમથી ઉજવણી કરવા માટે ઠેર-ઠેર મંદિરોને શણગારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બજારમાં શ્રી કૃષ્ણ અને રાધાની મૂર્તિઓનું વેચાણ વધ્યું છે. આ સાથે ભગવાનને શણગારવા માટે રંગબેરંગી વસ્ત્રો પણ બજારમાં આવી ગયા છે. જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ભક્તોને આકર્ષવા માટે નવી ડિઝાઇનવાળી સુંદર વાઘા બજારમાં દેખાઈ રહી છે. શહેરમાં વેસુ, સિટીલાઇટ, વીઆઇપી રોડ, પર્વત પાટિયા, ઉધના, લિંબાયત, ડિંડોલી, ભાગલ, નાના અંબાજી રોડ સહિત વિવિધ સ્થળોએ કૃષ્ણ વસ્ત્રોના સ્ટોલ શણગારવામાં આવ્યા છે. આ દુકાનોમાં ભક્તોને સ્ટાર્સ અને મોતીવાળા ડ્રેસ ખૂબ જ પસંદ આવે છે. શ્રી કૃષ્ણને પીતામ્બરધારી પણ કહેવામાં આવે છે કારણ કે તેમને પીળા વસ્ત્રો પસંદ હતા. એટલા માટે ભક્તો પહેલા પીળા રંગના કપડા ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
આભુષણોનું વેચાણ પણ બન્યું ઝડપી
ભટારમાં સ્થિત અન્નપૂર્ણા સ્ટોરના મહેશ રાઠીએ જણાવ્યું કે, વાઘાની સાથે ભગવાનને શણગારવા માટે લોકો વાંસળી, પાગ, મુગટ, કમરબંધ, હાથબંધ, ઘડિયાળ, ઝુલા, કાનની બુટ્ટી અને બંગડીઓ પણ પસંદ કરી રહ્યા છે. ઘણા ભક્તો ભગવાનને તેમની રાશિ પ્રમાણે વસ્ત્ર પહેરવાનું પસંદ કરે છે. જેને ધ્યાનમાં રાખીને વેપારીઓએ 4 થી 12 ઇંચની સાઇઝમાં સફેદ, લાલ, ગુલાબી, પીળા અને વાદળી રંગના કપડા તૈયાર કર્યા છે.ભગવાનની શોભા માટે રૂ.10 થી 10 હજારનો ખર્ચ કરવામાં પણ લોકો પાછળ નથી.