ઉનાળાની શરૂઆત સાથે જ શહેરમાં ગંદા પાણીની ફરિયાદ : પૂર્વ કોર્પોરેટરે કરી રજુઆત
ઉનાળાની(Summer) ઋતુના પ્રારંભ સાથે જ શહેરમાં પાણીના(Water) વપરાશમાં વધારો વચ્ચે ગંદા પાણીની ફરિયાદો પણ ઉઠવા પામી છે. અડાજણ ખાતે કોળીવાસ છેલ્લા કેટલાક દિવસથી ડહોળું પાણી મળતાં રહેવાસીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ફ્લુના સંક્રમણના સતત વધી રહેલા કેસો વચ્ચે પીવાના પાણીમાં જ ફરિયાદો ઉઠતાં સ્થાનિકોમાં હવે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.જોકે, આ સંદર્ભે વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવ્યા છતાં હજી સુધી નક્કર કામગીરી ન કરવામાં આવતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર અડાજણ ખાતે આવેલ કોળીવાસમાં છેલ્લા ત્રણ દિવસથી ગંદા પાણીની ફરિયાદો ઉઠવા પામી છે. ગંદા પાણીને કારણે એક તરફ ઘર વપરાશથી માંડીને રસોઈ અને પીવાના પાણીની મોકાળ સર્જાવા પામી છે તો બીજી તરફ આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવતાં હજી સુધી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરોની ઉદાસીનતા વચ્ચે પૂર્વ કોર્પોરેટર ઉષાબેન પટેલ દ્વારા રાંદેર ઝોનમાં ફરિયાદ કરવામાં આવી છે.