કોરોના અને વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા : એપ્રિલ સુધી સાવધાની રાખવા અપીલ
એક તરફ શહેરમાં કોરોના (Corona) અને H3N2ના કેસ વધી રહ્યા છે, ત્યારે હવામાનમાં બદલાવના કારણે વાયરલ ઈન્ફેક્શનના વધુ કેસો સામે આવી રહ્યા છે. નવી સિવિલમાં દરરોજ 60 જેટલા વાઇરલ ઇન્ફેક્શનના લોકો સારવાર માટે આવી રહ્યા છે.
માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ શહેરમાં ધીમે ધીમે કોરોના સંક્રમણ ફેલાવા લાગ્યું છે. પહેલા ત્રણ દિવસમાં એક સંક્રમિત વ્યક્તિ મળી આવ્યો, ત્યારપછી બે દર્દી દેખાવા લાગ્યા. સુરતમાં સોમવારે ચાર અને મંગળવારે બે પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા. બીજી તરફ કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદને કારણે શહેરમાં બે હવામાનની સ્થિતિ જોવા મળી રહી છે. આવા સમયમાં શહેરમાં સિઝનલ ફ્લૂ (વાયરલ ઇન્ફેક્શન)ના કેસમાં વધારો થયો છે.
કોરોના, H3N2 ના કેસોમાં વધારાને કારણે સરકાર અને શહેરના રહેવાસીઓમાં ચિંતાનો માહોલ છે. નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબોએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી સિઝનલ ફ્લૂના વધુ કેસો સામે આવી રહ્યા છે. સાથે જ સ્વાઈન ફ્લુની પણ આશંકા જોવા મળી રહી છે. તબીબોએ જણાવ્યું કે ઉનાળો શરૂ થઈ ગયો છે અને શિયાળો પૂર્ણ થવાની તૈયારી છે. એટલા માટે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી હોય છે. જેના કારણે શહેરમાં વાયરલ ઈન્ફેક્શનના વધુ કેસો જોવા મળી રહ્યા છે. જેમાં તાવ, શરદી, ઉધરસ, કફ, માથાનો દુખાવો, શરીરના દુખાવાના દર્દીઓ વધુ છે.
એપ્રિલ સુધી સાવચેત રહેવાની સલાહ
તબીબોએ સલાહ આપી છે કે એપ્રિલ સુધી લોકોને વાયરલ ઈન્ફેક્શનથી સાવચેત રહેવાની જરૂર છે. કોરોના, H3N2 ને ધ્યાનમાં રાખીને, માસ્ક પહેરવા, સામાજિક અંતર અને અન્ય સાવચેતી રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે માર્ચમાં 19 કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. આમાંના મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.