8 મહિનાના બાળકને હવામાં ઉછાળી મારીને બ્રેન હેમરેજ કરનાર કેરટેકરને 4 વર્ષની સજા
એક વર્ષ પહેલા રાંદેર(Rander) વિસ્તારમાં પાલનપુર પાટિયા ખાતે આવેલી હિમગીરી સોસાયટીમાં શિક્ષકના(Teacher) 8 માસના બાળકને પલંગ પર પછાડી બ્રેન હેમરેજના કેસમાં કોર્ટે મહિલા આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવી ચાર વર્ષની સાદી કેદ અને 5 હજારના દંડનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી હતી કે રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટિયા ખાતે આવેલી હિમગીરી સોસાયટીમાં રહેતા શિક્ષક મિતેશ પટેલે 8 માસના બેટ્વિન્સ બાળકોને સાચવવા માટે કેરટેકર કોમલ રવિ ચાંદલેકરને રાખી હતી. કેરટેકર તરીકે કોમલ છેલ્લા 3 મહિનાથી રાખી હતી અને તેનો 3 હજારનો પગાર હતો. કોમલને સંતાનો ન હતા, ઉપરથી ઘરનું ટેન્શન હતું, જેથી તેણે બાળક પર ગુસ્સો ઠાલવી તેને પલંગમાં પછાડી, કાન આમળી તેમજ હવામાં ઉછાળી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
માતા-પિતા ઘરેથી નોકરી પર જતાં હતાં ત્યાર પછી બાળકો ખૂબ રડતાં હોય છે એવું સ્થાનિકોએ વાલીને અગાઉ વાત પણ કરી હતી, આથી વાલીએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા, જેને કારણે કેરટેકરનો મામલો બહાર આવી ગયો હતો. જેમા એક બાળકને પલંગ પર ૪થી ૫ વાર પછાડી, કાન આમળી હવામાં ફંગોળી માર માર્યો હતો, જેને કારણે બાળક બેહોશ થઈ ગયું હતું, આથી કેરટેકરે બાળકનાં માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેન હેમરેજ થયાનું ખૂલ્યું હતું આ બનાવ અંગે શિક્ષક મિતેશ પટેલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કોમલની ધરપકડ કરી હતી.
આ કેસ કોર્ટમાં ચાલી જતાં સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ નીતિન ચોડવડિયા કેસ પુરવાર કરવામાં સફળ રહ્યા હતા. અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી કોમલને કસૂરવાર ઠેરવી ચાર વર્ષની સાદી કેદ અને 5 હજારના દંડનો હુકમ કર્યો હતો.