વિમેન પ્રીમિયર લીગમાં 3 ટીમોમાં ઓસ્ટ્રેલિયન અને 2 ટીમોમાં ભારતીય કેપ્ટ્ન
BCCI મહિલા પ્રીમિયર લીગ 2023 4 માર્ચથી શરૂ થવાની છે. લીગની પ્રથમ સિઝનમાં પાંચ ટીમો ભાગ લેવા જઈ રહી છે. પાંચેય ટીમોએ કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે. પાંચમાંથી ત્રણ ટીમોના કેપ્ટન ઓસ્ટ્રેલિયન છે જ્યારે બે ટીમોને ભારતીય કેપ્ટન મળ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સૌથી પહેલા પોતાના કેપ્ટનના નામની જાહેરાત કરી હતી. તેણે ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને પોતાની કેપ્ટન તરીકે પસંદ કરી છે. સ્મૃતિ હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી ખેલાડી હતી, જેના માટે RCBએ 3.40 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સ્મૃતિ ટી20 ઈન્ડિયાની વાઈસ કેપ્ટન પણ છે.
મુંબઈ ઈન્ડિયન્સે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને પોતાની કેપ્ટન તરીકે પસંદ કરી છે. મુંબઈએ હરમનને એક કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદી છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2020ની ફાઇનલમાં જગ્યા બનાવી, ભારતને કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પણ લઈ ગઈ, જ્યારે આ વર્ષે પણ ટીમ T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી.
ઓસ્ટ્રેલિયાની વિકેટ કીપર બેટ્સમેન એલિસા હીલીને યુપી વોરિયર્સે માત્ર રૂ. 70 લાખમાં ખરીદી છે, જો કે ત્યારબાદ તેણે હીલીને કેપ્ટનશિપ આપી હતી. T20 વર્લ્ડ કપમાં હીલીએ પાંચ મેચમાં 47.25ની એવરેજ અને 115.95ના સ્ટ્રાઈક રેટથી 189 રન બનાવ્યા હતા.હીલી એક શાનદાર બેટ્સમેન છે પરંતુ તેની પાસે કેપ્ટનશિપનો વધુ અનુભવ નથી. આવી સ્થિતિમાં તે વુમન્સ પ્રીમિયર લીગમાં શું અજાયબી કરે છે તે જોવાનું રહેશે.
ગુજરાત જાયન્ટ્સની કપ્તાની ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીના હાથમાં છે.ગુજરાત બે કરોડ રૂપિયા ખર્ચીને આ ખેલાડી સાથે જોડાયું છે. મૂની પાસે પણ કેપ્ટન તરીકે વધુ અનુભવ નથી પરંતુ બેટ્સમેન તરીકે પોતાને સાબિત કરી ચુક્યા છે. તે 2018, 2020 અને 2023માં T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતી અને ત્રણ બિગ બેશ લીગ પણ જીતી હતી.
દિલ્હી કેપિટલ્સે આખરે તેમના કેપ્ટનના નામની જાહેરાત કરી. તેણે ઓસ્ટ્રેલિયાના સુકાની મેગ લેનિંગને કેપ્ટનશીપ આપી છે, જેણે પોતાના દેશ માટે 5 ICC ટ્રોફી જીતી છે. દિલ્હીએ આ વર્લ્ડ ચેમ્પિયનને 1 કરોડ 10 લાખ રૂપિયામાં ખરીદ્યો, જેણે 100 T20 મેચોમાં કેપ્ટનશિપ કરી છે.