શાહરૂખ ખાનના પક્ષમાં દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય, ‘જવાન’નો લીક થયેલો વીડિયો હટાવવા આપી સૂચના
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયા હતા. જેના કારણે શાહરૂખ અને ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
‘પઠાણ’ પછી શાહરૂખ ખાન તેના ચાહકો માટે વધુ એક મોટા ધમાકાની તૈયારી કરી રહ્યો છે. કિંગ ખાનની ફિલ્મ ‘જવાન’ પર સતત કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ પણ ઘણા સમય પહેલા શરૂ થઈ ગયું છે. ‘જવાન’ના લૂક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા છે. શાહરૂખ ખાનના લુક્સને જોઈને ફેન્સ તેને બીજી મોટી હિટ ફિલ્મ માની રહ્યા છે. તાજેતરમાં જ શાહરૂખના ‘જવાન’ના બે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા હતા.
જેની સામે શાહરૂખ ખાન અને ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેની આગામી ફિલ્મ જવાનની બે ક્લિપ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લીક થઈ છે. પ્રથમ ક્લિપમાં કિંગ ખાન સાથે ફાઇટ સિક્વન્સ દર્શાવવામાં આવી હતી, જ્યારે બીજા વીડિયોમાં તેને અને નયનતારાને ડાન્સ સિક્વન્સમાં દર્શાવવામાં આવ્યા હતા. જેને શાહરૂખની ટીમે તમામ સોશિયલ મીડિયા પરથી હટાવવાનું કહ્યું હતું.
હવે આ મામલે કોર્ટનો નિર્ણય આવી ગયો છે અને આ નિર્ણય શાહરૂખ અને ગૌરીના પક્ષમાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના જજ સી હરિ શંકરે મંગળવાર, 25 એપ્રિલના રોજ આદેશ આપ્યો હતો કે જવાનની લીક થયેલી ક્લિપને YouTube, Google, Twitter અને Reddit જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે અને તેનું સર્ક્યુલેશન પણ બંધ કરવામાં આવે. આ સિવાય જજે તમામ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને ફિલ્મની કોપીરાઈટેડ કન્ટેન્ટ દર્શાવતી વેબસાઈટના એક્સેસને બ્લોક કરવા કહ્યું છે.