પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની આજે થઇ શકે છે જાહેરાત : 12 વાગ્યે થશે પ્રેસ કોન્ફરન્સ
ચૂંટણી પંચે(Election Commission) આજે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થઈ શકે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને આવતા વર્ષે યોજાનારી 2024ની લોકસભા ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવી રહી છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ સત્તામાં છે. તેલંગાણામાં BRS અને મિઝોરમમાં MNF જેવી પ્રાદેશિક પાર્ટીની સરકાર છે.
2018માં ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં 6 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. વર્ષ 2018માં છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 12 નવેમ્બરે 18 વિધાનસભા બેઠકો માટે જ્યારે બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે 72 વિધાનસભા બેઠકો માટે યોજાયું હતું. એ જ રીતે, મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરે એક તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, જ્યારે રાજસ્થાન અને તેલંગાણામાં 7 ડિસેમ્બરે મતદાન થયું હતું. પાંચેય રાજ્યોમાં ચૂંટણી મતોની ગણતરી 11 ડિસેમ્બર 2018ના રોજ એક સાથે થઈ હતી.