એક સમયે સિંગિંગ રિયાલિટી શોમાંથી બહાર થયા હતા અરિજીત સિંહ,આજે પોતાના અવાજથી ઈન્ડસ્ટ્રી પર કરે છે રાજ
અરિજિત સિંહ એક ભારતીય ગાયક અને સંગીતકાર છે. આજે અરિજીત તેનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમનો જન્મ 25 એપ્રિલ 1987ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના જિયાગંજમાં થયો હતો. સિંગર પંજાબી શીખ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે ખૂબ જ નાની ઉંમરથી સંગીતની તાલીમ શરૂ કરી હતી. અરિજીતને બાળપણથી જ ગાવાનો શોખ હતો. અરિજિતના મામા ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વિશેષતા ધરાવતા હતા અને તેમના દાદી ગાતા હતા. પરિવારમાં સંગીતમય વાતાવરણને કારણે અરિજિતનો સંગીતમાં રસ વધુ વધી ગયો હતો.
અરિજિત ગુરુકુલ શો હારી ગયો હતો
અરિજિતે તેની ગાયકી કારકિર્દીની શરૂઆત કરી જ્યારે તેના માર્ગદર્શક રાજેન્દ્ર પ્રસાદ હજારીએ તેને ગુરુકુલ (2005)માં ભાગ લેવા કહ્યું. તે દરમિયાન અરિજીત માત્ર 18 વર્ષનો હતો. જોકે દર્શકોના મતદાનમાં અરિજિત શોમાંથી બહાર હતો. અરિજિત આ શોમાં છઠ્ઠા ક્રમે રહ્યો હતો. આ શો દરમિયાન જ સંજય લીલા ભણસાલીએ અરિજિતની અંદર રહેલી પ્રતિભાને અનુભવી અને તેને ફિલ્મ સાંવરિયા માટે તું શબનમી ગીત ગાવા મજબૂર કર્યું. જો કે, કોઈ કારણસર ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તે પછી ગીત ક્યારેય રિલીઝ કરવામાં આવ્યું ન હતું.
ઘણી ફિલ્મોમાં ગીતો ગાયાં
પ્રીતમ સાથે તેણે ગોલમાલ 3, ક્રૂક જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે તેલુગુ ફિલ્મ ઉદ્યોગ માટે ગીતો પણ ગાયા. વર્ષ 2011 માં, અરિજિત સિંહે ફિલ્મ મર્ડર 2 થી તેની બોલિવૂડ સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે આ ફિલ્મ માટે ફિર મોહબ્બત ગીત ગાયું હતું. તે પછી તેણે બોલિવૂડની ઘણી ફિલ્મો માટે ગીતો ગાયા. જેમાં રાબતા, ઉસકે હી બન્ના, નશે સી ચડ ગઈ, આશિકી, કબીરા, ઈલાહીએ શ્રેષ્ઠ ગીતો ગાયા છે. આ દરમિયાન અરિજિતે ઘણા શ્રેષ્ઠ એવોર્ડ પણ જીત્યા છે.