ડ્રેનેજ કામગીરી માટે સુરતના સેન્ટ્રલ ઝોનનો વધુ એક આ રસ્તો રહેશે એક મહિના સુધી બંધ
સુરત મહાનગર પાલિકા દ્વારા વધુ એક વખત સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ અપગ્રેડની કામગીરી હાથ ધરવામાં આવતાં સગરામપુરા – કૈલાશનગર ગરબા ચોકથી વિજય વલ્લભ ચોક સુધીનો રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી 9મી મે એટલે કે અંદાજે એક મહિના સુધી ચાલનારી આ કામગીરીને પગલે આ વિસ્તારના વાહન ચાલકોની હાલત નિશ્ચિતપણે કફોડી થવા પામશે. એક તરફ સેન્ટ્રલ ઝોનમાં ઠેર – ઠેર મેટ્રોની કામગીરીને પગલે રસ્તાઓનું ખોદાણ કરવામાં આવી રહ્યું છે તો હવે ડ્રેનેજ અને પાણીની સુવિધાઓ ઉભી કરવા માટે રસ્તાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતાં ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે.
સેન્ટ્રલ ઝોનમાં ખાસ કરીને રાજમાર્ગ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને પગલે મોટા ભાગના રસ્તાઓ પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણાં સમયથી સેન્ટ્રલ ઝોનના મોટા ભાગના વિસ્તારોમાં મેટ્રોની કામગીરીને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે આ વિસ્તારોમાં જ પાણી અને ડ્રેનેજના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવતાં વાહન ચાલકો અને સ્થાનિકોની હાલત પડ્યાં પર પાટું જેવી થઈ છે. ઠેર – ઠેર રસ્તાઓ પર ખોદાણ કરવામાં આવતાં નાની નાની શેરીઓમાં દિવસ દરમિયાન ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. આ સ્થિતિમાં રહેવાસીઓ પણ માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે.
હવે મનપાના નાનપુરા સુઅર લાઈન વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને પગલે આજથી સગરામપુરા કૈલાશનગર ગરબા ચોકથી વિજય વલ્લભ ચોક સુધીના રસ્તા પર આગામી 9મી મે સુધી ડ્રેનેજ લાઈન બદલવાની કામગીરી હાથ ધવામાં આવશે. આ કામગીરીને પગલે આ વિસ્તાર વાહન ચાલકો માટે પ્રતિબંધિત ફરમાવવામાં આવ્યો છે. જેને પગલે મનપા દ્વારા સગરામપુરા કૈલાસનગર ગરબા ચોક થી નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ આવતા વાહનો અને રાહદારીઓ લાલવાડી ટપાલી મંડપ થઈ ગોલકીવાડ થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ વિજય વલ્લભ ચોક તરફ જઈ શકશે. તેમજ મહાદેવનગર થઈ રીંગરોડ મજુરાગેટ થઈ જૂની આર.ટી.ઓ થઈ નાનપુરા જિવનભારતી સ્કૂલ થઈ લાફીંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા વિજય વલ્લભ ચોક તરફના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત મહાદેવનગર થી રીંગરોડ મજુરાગેટ થઈ જૂની આર.ટી.ઓ થઈ નાનપુરા જીવન ભારતી સ્કૂલ થઈ લાફીંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ જઈ શકશે. તે મુજબ નાનપુરા વિજય વલ્લભ ચોક થી સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જતા વાહનો અને રાહદારીઓ વિજય વલ્લભ ચોક થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ ગોલકીવાડ થઈ લાલવાડી ટપાલી મંડપ થઈ કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકશે. તેમજ વિજય વલ્લભ ચોક થઈ લાફીંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા જીવન ભારતી સ્કૂલ થઈ રીંગ રોડ જુની આર.ટી.ઓ. થઈ મજુરાગેટ થઈ મહાદેવનગર થઈ સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકાશે. તેમજ અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ પણ કરી શકશે. આ કામગીરી જે તે રસ્તા ના ભાગો પર પુરી થશે તેમ તેમ તેટલા ભાગોના રસ્તા નાગરિકોની સુવિધા માટે અંશતઃ રીતે ખુલ્લા કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયેથી પ્રતિબંધિત માર્ગ રાહદારીઓ તથા વાહન વ્યવહાર માટે ફરીથી ખુલ્લો કરવામાં આવશે