વિદેશમાં નોકરી અપાવવાના બહાને 22 લાખની છેતરપિંડી કરનાર બિહારના યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો
વિદેશમાં નોકરી(Job) અપાવવાના બહાને એક ઠગ 22 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીને શોધવા ગતિવિધિઓ તેજ કરી હતી. જેમાં આરોપી બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું. માહિતીના આધારે પોલીસે બિહારમાંથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે કે આરોપીએ કેવી રીતે લોકો સાથે છેતરપિંડી કરી છે અને કેટલા લોકો એવા છે જેમણે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નથી.
અમદાવાદમાં ઓફિસ ખોલ્યા બાદ આરોપીએ વિદેશમાં સ્કીલ્ડ વર્કરની નોકરી માટે અખબારમાં જાહેરાત આપી હતી. જાહેરાત જોઈને લોકો તેની ઓફિસે પહોંચ્યા. જ્યાં આરોપી મુન્ના અને અન્ય લોકોએ લોકોને છેતર્યા અને કંબોડિયન કંપની પાસેથી ઓફર લેટર મંગાવીને વિશ્વાસમાં લીધા. આ પછી ઘણા લોકો તેમની ઓફિસમાં આવવા-જવા લાગ્યા. આરોપી મૂળ બિહારનો છે અને તેણે માત્ર 9મી સુધી જ અભ્યાસ કર્યો છે. તેણે લોકો પાસેથી 22 લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી હતી. આ પછી તે ઓફિસ બંધ કરીને ભાગી ગયો હતો.
આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમને જાણ કરવામાં આવતા આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુન્નાનું પૂરું નામ અંસારુલ હક અંસારી છે. ક્રાઈમ બ્રાન્ચને તે બિહારમાં હોવાની બાતમી મળતાની સાથે જ પોલીસની એક ટીમ તેને શોધવા બિહાર પહોંચી અને ત્યાંથી તેની ધરપકડ કરી. હવે તેની ગેંગના લોકોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.