ડુમસ સુલતાનાબાદમાં મહોલ્લાવાસીઓના સુરક્ષા માટે 10 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવશે
સુરતના ડુમસના (Dumas) વોર્ડ-22માં જલારામ મંદિરની નજીકના મહોલ્લોમાં દરિયાના(Sea) મોજાથી જમીનનું ધોવણ થવાની વર્ષો જૂની સમસ્યા (Problems) હતી. આ સમસ્યા ચૂંટણી સમયે ગાજતી રહેતી હતી. ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઇની રજૂઆતથી ડુમસની આ વર્ષોજૂની સમસ્યાનું સાગમટે અંત આવી ગયો છે અને સરકાર અંદાજે 10 કરોડના ખર્ચે ગ્રામવાસીઓની સુરક્ષા માટે સંરક્ષણ દીવાલ બનાવાશે.
સુરતનો ડુમસ વિસ્તાર દરિયા કાંઠે આવેલો જોખમી વિસ્તાર છે. અહીં વોર્ડ-22માં આવેલાં મંદિરની આસપાસના મહોલ્લામાં દરિયાઇ મોજાથી જમીનનું ધોવાણ થવાની વર્ષા જૂની ઘટના છે. મોટેભાગે ચોમાસાની ઋતુમાં સુલતાનાબાદથી જલારામ મંદિરની આસપાસના વિસ્તારમાં તો રહીશોના ઘરમાં ઘૂંટણસમા પાણી પણ ફળી વળવાની ઘટનાઓએ આકાર લીધો છે. અહીંના રહીશોને દર વર્ષે મોટી નુકસાની વેઠવી પડી રહી છે.
ચૂંટણીના સમયે આ મુદ્દો ઉઠ્યો હતો, જેમાં ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઇએ અંગતરસ લઇને પ્રદેશકક્ષાએ રજૂઆત કરતાં દરિયાથી જમીનનું ધોવણ અટકાવવા માટે અંદાજિત 10 કરોડના ખર્ચે સંરક્ષણ દીવાલ બનાવવા માટે નર્મદા જળસંપત્તિ વિભાગે વહીવટી મંજૂર પણ આપી દીધી છે. જે અંગેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં રજૂ થવાનું હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત એવી છે કે ડુમસ સુલતાનાબાદથી જલારામ મંદિરની આસપાસ અંદાજે 50થી વધુ પરિવારો વસવાટ કરે છે અને વર્ષોથી માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, દરિયાઇ ભરતીના કારણે પણ મોટેભાગે જમીનનું ધોવાણ થતાં આ પરીવારો મોટી નુકસાની વેઠી રહ્યાં હતાં. માછીમારી કરીને પોતાનું જીવન હંકારતાં માછીમારો માટે સ્થળાંતર કરવું પણ શક્ય ન હોવાથી સંરક્ષણ દીવાલ બનાવવા માટે ધારાસભ્ય સંદિપ દેસાઇને રજૂઆતો કરી હતી.
નોંધનીય છે કે ૧૦ કરોડના ખર્ચે દરિયાદેવના પ્રકોપથી બચવા રહીશો માટે સંરક્ષણ દીવાલ બનાવવાનું કામ શરૂ થવાની વાતો વહેતી થતાં સમગ્ર ડુમસ પંથકમાં ખુશીની લહેર મોજા સ્વરૂપે ઉછળી હતી. વર્ષો જૂની સમસ્યાનું એકદમથી નિરાકરણ આવી જતાં ધારાસભ્ય સંદિપ દેસાઇનો ગામના અગ્રણી રહીશોએ ટેલીફોનીક તેમજ સોશીયલ મિડીયા તથા રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય સંદિપ દેસાઇને કરેલી રજૂઆત ફળતાં ગ્રામજનોમાં ખુશી
ચોર્યાસી વિધાનસભામાંથી જંગી બહુમતી સાથે ધારાસભ્ય સંદિપ દેસાઇને ડુમસ ગામમાંથી જમીનના ધોવાણ અંગેની રજૂઆત થઇ હતી જેના અનુસંધાને સંદિપ દેસાઇએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ સિંચાઇ મંત્રી કુંવરજી બાવળિયા અને રજૂઆત કરી હતી. દેસાઇએ ડુમસમાં વસતા લોકોની ગંભીર સમસ્યા મુદ્દે કેબિનેટ મંત્રી રજૂઆતને કરતાં નર્મદા, જળસંપત્તિ, કલ્પસર વિભાગે તાત્કાલિક ધોરણે જલારામ મંદિરની આસપાસમાં વસતા લોકોના રક્ષણ માટે સંરક્ષણ દીવાલ બનાવવા લીલીઝંડી આપી હતી.