સોનુ નિગમના પિતા પાસેથી 72 લાખની ચોરી કરવાના ગુનામાં એક વ્યક્તિની ધરપકડ
ગાયક સોનુ નિગમના પિતા અગમ કુમાર નિગમ પાસેથી 72 લાખ રૂપિયાની ચોરી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ(Arrest) કરવામાં આવી છે. આ વ્યક્તિ અગમ કુમાર નિગમનો પૂર્વ ડ્રાઈવર છે. અગમ કુમાર મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં રહે છે અને આ ચોરી 19 થી 20 માર્ચની વચ્ચે થઈ હતી. આ કેસની ફરિયાદ સોનુ નિગમની બહેન નિકિતાએ કરી છે.
ફરિયાદ મુજબ, રેહાન નામનો વ્યક્તિ આઠ મહિનાથી અગમ કુમાર નિગમનો ડ્રાઈવર હતો અને તેને તાજેતરમાં ખરાબ કામગીરીના કારણે કાઢી મૂકવામાં આવ્યો હતો. અગમ કુમાર નિગમે રવિવારે તેમની પુત્રીને જણાવ્યું કે તેમના ડિજિટલ લોકરમાંથી 40 લાખ રૂપિયા ગાયબ છે. બીજા જ દિવસે તે ફરી બહાર ગયા ત્યારે તે જ લોકરમાંથી બીજા 32 લાખ રૂપિયા પણ ચોરાઈ ગયા હતા.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી તો તેમાં જોવા મળ્યું કે રેહાન બંને દિવસે હાથમાં બેગ લઈને ફ્લેટ તરફ ચાલી રહ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અગમ કુમાર નિગમને શંકા છે કે રેહાન ઘરની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ઘરમાં ઘૂસ્યો હતો અને 72 લાખ રૂપિયાની ચોરી કરી હતી.
અગમ કુમાર નિગમની પુત્રીની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તપાસ ચાલી રહી છે. સોનુ નિગમની જેમ તેના પિતા પણ સંગીતની દુનિયા સાથે જોડાયેલા છે અને તેમણે ઘણા હિટ ગીતો પણ આપ્યા છે.