વરાછાના તબીબે કરતૂત કરી દેશભરના એક લાખથી પણ વધુ લોકો સાથે કરી ચીટિંગ
વરાછાના (Varachha) એક તબીબે દેશભરના એક લાખથી વધુ લોકો સાથે લાખો રૂપિયાની સાયબર (Cyber) છેતરપિંડી કરી હતી. તેણે બિગ વિનર નામની સ્પિન એન્ડ વિન એપ બનાવી. જેમાં તે બોલી લગાવનાર પાસેથી પૈસા વસૂલતો હતો પણ કોઈને ઈનામ આપતો નહોતો. આ અંગેની ફરિયાદ મળતા ખટોદરા પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, નાના વરાછા ક્રિસ્ટલ લક્ઝરીમાં રહેતા નવનીત દેવાણી (30) વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. તેણે થોડા સમય પહેલા યુટ્યુબ પર સ્પિન એન્ડ વિન ગેમનો વીડિયો જોયો હતો. એ વિડિયો જોયા પછી તેણે બિગ વિનર નામની એપ બનાવી. એપને પ્લે સ્ટોર પર મૂકી હતી.
જે બાદ સોશિયલ મીડિયા દ્વારા એપનો પ્રચાર કરવામાં આવ્યો અને થોડા જ દિવસોમાં આ એપના એક લાખ એક હજાર 470 ડાઉનલોડ થઈ ગયા. એપ પર વિવિધ પેમેન્ટ ગેટવે દ્વારા 50, 100, 200 અને 300 નું પેમેન્ટ સ્પિન કરવાની સિસ્ટમ હતી.
સ્પિન વ્હીલમાં ઘણા આકર્ષક ઈનામો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ રીતે તે લોકો પાસેથી પૈસા વસૂલતો હતો જેઓ તેના બેંક ખાતામાં સટ્ટો લગાવતા હતા પરંતુ તેમને કોઈ ઈનામ આપતા ન હતા. આ અંગે ખટોદરા ખાતે રહેતા રાજેશ પાત્રાએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે નવનીતને શુક્રવારે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.