ધો.૧૨ માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યા બાદ મોત
નવસારીમાં આવેલી શાળામાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યા બાદ મોત નીપજ્યું હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાર્થીની રીસેસ દરમ્યાન દાદર ચડી રહી હતી આ દરમ્યાન તે એકાએક ઢળી પડી હતી તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી છે
મળતી માહિતી મુજબ નવસારી શહેરને અડીને આવેલા પરતાપોર ગામમાં એબી સ્કૂલ આવેલી છે. આ સ્કુલમાં ઈંગ્લીશ મીડિયમાં ધો. ૧૨ સાયન્સમાં ૧૭ વર્ષીય તનિષા ગાંધી અભ્યાસ કરતી હતી. રાબેતા મુજબ તનીષા આજે શાળાએ આવી હતી આ દરમ્યાન રિશેષમાં વિદ્યાર્થીની દાદર ચડી રહી હતી ત્યારે તે એકાએક ઢળી પડી હતી.
વિદ્યાર્થીની ઢળી પડતા ત્યાં અન્ય શિક્ષકો પણ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુમાં તનીષાના માતાનું બે વર્ષ અગાઉ કોરોનામાં નિધન થયું હતું અને હાલ તે તેના પિતા સાથે રહેતી હતી. તેના પિતા પણ ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. વિદ્યાર્થીની તનિષા ગાંધી ધોરણ 12 સાયન્સ બાદ ડોક્ટર બનવા માગતી હતી.
શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના મોતને લઈને સાથી વિદ્યાર્થીઓ તેમજ શાળામાં ગમગીની ફેલાઈ ગયી હતી. તેના પિતા પણ દીકરીના મોતના સમાચાર સાંભળીને શોકમાં ગરકાવ થઇ ગયા હતા