કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે એક સાથે 34 સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા
ગુજરાત કોંગ્રેસ(Congress) હવે એક્શનમાં આવી છે. પાર્ટીના આદેશનો ભંગ કરનાર 34 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરહાજર રહીને પક્ષને નુકસાન પહોંચાડનારાઓ પર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચૂંટણીમાં ગેરહાજર રહેલા સભ્યો પાસેથી ખુલાસો માંગ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરવા બદલ 34 સભ્યોને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
ગેરહાજર રહેલા નવ સભ્યોને નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો
તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગેરહાજર રહેતા 9 સભ્યોને તાત્કાલિક નોટિસ આપી તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. ગારિયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિદ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર, મહુવા તાલુકા પંચાયતના સભ્યોએ પક્ષના આદેશનો ભંગ કરી ક્રોસ વોટિંગ કર્યું હતું. તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને વિવિધ તાલુકા પંચાયતોમાં પક્ષના આદેશો વિરુદ્ધ ગેરહાજર રહેલા નવ સભ્યોને પણ પક્ષ દ્વારા રાજ્ય સત્તાવાળાઓને તાત્કાલિક નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે.