ગણેશ ઉત્સવને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવવાનું શરૂ
સુરત (Surat) શહેરમાંથી પસાર થતી તાપી નદી, તળાવ કે કેનાલમાં ગણેશ મૂર્તિઓના વિસર્જન અંગે એનજીટીના આદેશ બાદ મહાનગરપાલિકાની જવાબદારી વધી ગઈ છે. સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ગણેશ મૂર્તિઓની સ્થાપનાને લઈને મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં 20 કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે મોટી પ્રતિમાનું દરિયામાં વિસર્જન કરવાનું આયોજન છે.
NGTના આદેશ બાદ તાપી નદી અને કેનાલ કે તળાવમાં શ્રીજીની મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, આથી દર વર્ષની જેમ સુરત મહાનગર પાલિકા 20 જેટલા કૃત્રિમ તળાવ બનાવી તેમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરશે. સુરત શહેરમાં જ લગભગ 50 થી 60 હજાર જેટલી શ્રીજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે અને આ તમામ મૂર્તિઓમાંથી 5 ફૂટ કે તેનાથી નાની મૂર્તિઓનું સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે.
સુરતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સુરતમાં ગૌરી ગણેશ અને દસ દિવસીય ગણેશની સ્થાપના કરવામાં આવે છે. આ પહેલા તાપી નદીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંતુ એનજીટીના નિર્ણય બાદ પાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ભગવાન ગણેશની મૂર્તિનું ઘર આંગણે વિસર્જન કરવાનું ચલણ વધ્યું છે. જેના કારણે મહાનગરપાલિકાના કૃત્રિમ તળાવ પરનો ભાર ઓછો થયો છે.
મહાનગરપાલિકાએ કુદરતી જળાશયોમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયાને રોકવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 20 જેટલા કૃત્રિમ તળાવો બનાવવાનું આયોજન કર્યું છે. શ્રીજીની પાંચ ફૂટ કે તેનાથી નાની મૂર્તિનું વિસર્જન આ તળાવમાં જ કરવામાં આવશે, જ્યારે મહાનગરપાલિકા પ્રશાસન મોટી મૂર્તિનું દરિયામાં વિસર્જન કરવાનું આયોજન કરી રહ્યું છે.