દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હવે બે હેક્ટર મર્યાદામાં કાંટાની વાડ બનાવવા સહાય મળશે
રાજ્ય સરકાર (Government) દ્વારા જંગલી પશુઓથી ઉભા પાકને બચાવવા માટે કાંટાની વાડ બનાવવા માટે ચુકવવામાં આવતી સહાયની મર્યાદા પાંચ હેક્ટરથી ઘટાડીને બે હેક્ટર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતોને જંગલી ડુક્કરોથી મોટી રાહત મળશે. એક અંદાજ મુજબ સુરત જિલ્લામાં જ વર્ષેદહાડે લાખ્ખો રૂપિયાના શેરડીના પાકને જંગલી ડુક્કર નુકસાન પહોંચાડતા હોય છે. જેને પગલે નાના અને સીમાંત ખેડૂતોની હાલત ભારે દયનીય બનતી હોય છે.
આ સંદર્ભે વધુ માહિતી આપતાં ખેડૂત અગ્રણી જયેશ દેલાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર સમક્ષ આ સમસ્યા અંગે રજુઆત કરવામાં આવી રહી હતી. અગાઉ રાજ્ય સરકાર દ્વારા 10 હેક્ટર અને ત્યારબાદ પાંચ હેક્ટર વિસ્તારમાં કાંટાની વાડ બનાવવા માટે ખેડૂતોને સહાય કરવામાં આવતી હતી. જો કે, આ યોજનાને પગલે નાના અને સીમાંત ખેડૂતો કોઈ નક્કર લાભ થવા પામતો ન્હોતો. જેને પગલે સહાય પાત્ર વિસ્તારની મર્યાદા ઘટાડવા અને સહાયનું ફંડ વધારવા સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ચાલુ વર્ષથી બે હેક્ટર વિસ્તારનો પણ આ યોજનામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય આ યોજના માટે 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ભુંડ સહિત સમગ્ર રાજ્યમાં નીલગાય અને રોઝ જેવા જંગલી પશુઓને કારણે વર્ષે દહાડે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચે છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં જ દર વર્ષે અંદાજે 4થી 5 લાખ ટન શેરડીના ઉભા પાકને જંગલી ડુક્કરોને કારણે નુકસાન પહોંચતું હોય છે. જો કે, હવે રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ બે હેક્ટર જમીનનો પણ સમાવેશ કરવામાં આવતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે.