એક દેશ, એક ચૂંટણી મુદ્દે સરકારનું મહત્વનું પગલું : પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં બનાવી સમિતિ
આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર એક મોટું પગલું ભરે તેમ લાગી રહ્યું છે. એક દેશ, એક ચૂંટણીનો મુદ્દો સતત હેડલાઇન્સ બની રહ્યો છે અને આ દરમિયાન ભારત સરકારે એક સમિતિની રચના કરી છે, જે આ અંગે પોતાનો રિપોર્ટ આપશે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. ભારત સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર સૂચના જારી કરશે.
ગઈકાલે જ કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વિશેષ સત્રમાં મોદી સરકાર એક દેશ-એક ચૂંટણીને લઈને બિલ લાવી શકે છે અને ચર્ચા બાદ તેને પાસ કરાવી શકે છે. આ અટકળો શરૂ થતાની સાથે જ દેશમાં નવી ચર્ચા શરૂ થઈ, ઘણા વિપક્ષી નેતાઓએ આવા કોઈપણ બિલ લાવવાને ગેરબંધારણીય ગણાવ્યું.