મહિને અઢી લાખ રૂપિયા કમાતો CA પુત્ર પોતાની 93 વર્ષની માતાનું ધ્યાન રાખતો ન હતો : કોર્ટમાં મામલો પહોંચ્યો
કહેવાય છે કે વૃદ્ધાવસ્થામાં(Old Age) બાળકો માતા-પિતાનો સહારો હોય છે. આ અપેક્ષા સાથે માતા-પિતા(Parents) પોતાની ઈચ્છાઓનું ભૂલીને પણ પોતાના સંતાનોનું ભવિષ્ય બનાવે છે, પરંતુ જ્યારે પુત્ર અપેક્ષાઓ પર ખરો ઉતરતો નથી અને વૃદ્ધ માતાને ન્યાય માટે કોર્ટમાં જવું પડે છે ત્યારે વધુ વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. . આવા જ એક કિસ્સામાં, જ્યારે મુંબઈમાં રહેતા અને મહિને 2.5 લાખ રૂપિયા કમાતા CAની પ્રેક્ટિસ કરતા પુત્રએ તેની 93 વર્ષની માતાનું ધ્યાન ન રાખ્યું, ત્યારે માતાને કોર્ટમાં જવું પડ્યું. હવે કોર્ટે પુત્રને ભરણપોષણ તરીકે દર મહિને 30,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
સુરતમાં રહેતી 93 વર્ષીય મહિલાએ તેના પુત્ર વિરુદ્ધ સુરત ફેમિલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરી હતી. અરજી મુજબ તે વિધવા છે અને તેનો પુત્ર મુંબઈમાં રહે છે અને સીએ તરીકે પ્રેક્ટિસ કરે છે. તે મહિને 2.5 લાખ રૂપિયા કમાય છે અને તેની પાસે લક્ઝુરિયસ કાર છે.
આમ છતાં તે માતાની જવાબદારી લેવા તૈયાર નથી. જ્યારે માતા અલ્સર અને હૃદયની બીમારીથી પીડિત છે. કોર્ટમાં મૂળ અરજીની સુનાવણીમાં વિલંબને કારણે વૃદ્ધ મહિલાએ કોર્ટમાં વચગાળાના ભરણપોષણનો આદેશ કરવાની માંગ કરી હતી. વૃદ્ધ મહિલાની તરફેણમાં એડવોકેટ નેહલ મહેતાએ દલીલો રજૂ કરી હતી. અંતિમ સુનાવણી બાદ કોર્ટે પુત્રને ભરણપોષણ તરીકે દર મહિને 30,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
વૃદ્ધ મહિલાએ પુત્ર વિરૂદ્ધ ઘરેલું હિંસા ધારા હેઠળ કોર્ટ અને કલેક્ટરને પણ ફરિયાદ કરી છે. પુત્રએ થોડા સમય પહેલા વૃદ્ધ માતાને ઘરની બહાર ફેંકી દીધી હતી, જેના કારણે તેના સંબંધીએ અહીં આશરો લેવો પડ્યો હતો. વૃદ્ધ મહિલાએ કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટના આદેશ બાદ વૃદ્ધ મહિલા ફરી પોતાના ઘરે પરત ફરી શકી હતી.