મુંબઈમાં ગમે ત્યારે થશે મેઘરાજાની પધરામણી : ગુજરાતમાં પણ વાદળો બંધાયા
મુંબઈમાં(Mumbai) ચોમાસાના આગમનને લઈને એક મોટું અપડેટ છે. લાંબી રાહ જોયા બાદ આજે ચોમાસું (Monsoon) મહારાષ્ટ્રમાં આગળ વધ્યું છે અને તેણે વિદર્ભના કેટલાક ભાગોને આવરી લીધા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 3-4 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણાના કેટલાક અન્ય ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહના અંતમાં ચોમાસું સમગ્ર મુંબઈ શહેરને આવરી લેશે. આ પછી આજે IMDએ મુંબઈ માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે (26-27 જૂન) મુંબઈ અને તેની આસપાસના થાણે અને પાલઘર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
મુંબઈમાં વીકેન્ડ પર દસ્તક આપશે ચોમાસું, મહારાષ્ટ્રના 10 જિલ્લામાં વરસાદ પડશે
IMDના અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈમાં આગામી સપ્તાહમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધવાની ધારણા છે. આગામી પાંચ દિવસની તેની આગાહીમાં, IMD એ મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ (અલગ દિવસે) જારી કર્યું છે. દરમિયાન, ભારે ગરમી સામે ઝઝૂમી રહેલા વિદર્ભ પ્રદેશના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં મુશળધાર વરસાદની સંભાવના છે.
IMD મુંબઈના નિષ્ણાતોનું કહેવું છે કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આવનારા શનિવાર-રવિવારે મુંબઈમાં ચોમાસાના વરસાદની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ જણાઈ રહી છે. IMDના વૈજ્ઞાનિક સુષ્મા નાયરે કહ્યું કે, અમે 23 જૂનથી 25 જૂનની વચ્ચે મુંબઈમાં ચોમાસું આવવાની આશા રાખીએ છીએ. આગામી સપ્તાહમાં સારા વરસાદની સંભાવના છે.
મુંબઈના ઘણા વિસ્તારોમાં હળવો પ્રી-મોન્સુન વરસાદ થયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે મુંબઈ શહેરમાં 0.23 મીમી, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં 0.08 મીમી અને 0.03 મીમી વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્ર પર આવેલા ચક્રવાત બિપરજોયને કારણે આ વર્ષે મુંબઈમાં ચોમાસાનું આગમન લગભગ બે અઠવાડિયા જેટલું મોડું થયું છે.