હડકવાના લક્ષણો બાદ 62 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત, ચાર મહિના અગાઉ કરડ્યું હતું કુતરુ
હડકવાના લક્ષણો બાદ 62 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત, ચાર મહિના અગાઉ કરડ્યું હતું
સુરતમા વધતા જતા ડોગ બાઈટ બનાવો વચ્ચે કુતરુ કરડયા બાદ વધુ એક મોત થયું હોવાનો કિસ્સો ચોપડે નોંધાયો છે.નર્મદા જિલ્લાના સાગબારાના ભોર આમલી ગામમાં 62 વર્ષીય વૃદ્ધને ચાર માસ અગાઉ કુતરુ કરડ્યું હતું.જે બાદ તેમને હડકવાના લક્ષણો દેખતા સુરત સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવારને અંતે મોત નીપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ સાગબારાના ભોર આમલી ગામમાં રહેતા 62 વર્ષિય જ્ઞાનસિંગ વસાવાને ચાર માસ અગાઉ કૂતરું કરડ્યું હતું. જો કે તેઓએ જે તે સમયે હડકવા વિરોધી રસી લીધી ના હતી. અને હાલમાં છેલ્લાં ત્રણ દિવસથી તેમને પાણી અને લાઈટના પ્રકાશથી ગભરાવવા જેવા હડકવાના લક્ષણો દેખાતા પહેલા તેમને ગામના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાંથી તેમની વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા બે દિવસની સારવાર બાદ વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડોગ બાઈક ના કિસ્સાઓમાં સતત વધારો થયો છે અને તેને કારણે માસુમ બાળકોએ જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે હવે 62 વર્ષીય સિનિયર સિટીઝન નું કૂતરું કરડયા બાદ હડકવાને કારણે સિવિલ હોસ્પિટલના બિછાને મોત નિપજ્યું છે.