લીંબાયતમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો : આરોપીઓએ રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો
લીંબાયત વિસ્તારમાં ચાર દિવસ પહેલા ત્રણ અજાણયા ઈસમોએ મની-ટ્રાન્સફરની દુકાનમાં ઘુસી દુકાનદારને બંદૂક બતાવી રોકડા રૂપિયા અઢી લાખ જેટલાની લૂંટ કરી ભાગી છૂટયા હતા.જયારે લૂંટની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી તેમજ સ્થાનિક પોલીસ દોડતી થઇ ગઈ હતી.જોકે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની અલગ-અલગ ટીમો વર્ક આઉટમાં હતી દરમ્યાન ઘરફોડ સ્કોડની ટીમને ટેકનિકલ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સ આધારે લૂટને અંજામ આપનાર આરોપીઓ સોનુકુમાર દાનપાલ વર્મા (રહે- 243 મહાદેવનગર ) અને અભિષેકસીંગ ઉર્ફે ચાઈનીસ તેજબહાદુરસીંગ ( રહે-વીશ્રામનગર અખંડઆનંદ કોલેજની બાજુમાં વેડ-રોડ ) નાઓને ઝડપી પાડી તેમની પાસેથી એક્સેસ મોપેડ તેમજ રોકડા 24000 રૂપિયા કબ્જે કરવાં આવ્યા હતું. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ગઈ તા 04/04/2023 ના રોજ લીંબાયત વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાં ઘુસી ગયા હતા અને ફરિયાદીની છાતી તેમજ લમણાના ભાગે પિસ્ટલ મુકીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ડરાવીને ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયાની લૂંટ કરી ભાગી ગયા હતા.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી સન્ની ઉર્ફે પ્રધાન ડીંડોલી વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે અગાઉ ગયો હતો તે સમયે તેને દુકાનમાં વધારે પ્રમાણમાં રૂપિયા જોતા લૂટ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને ગત તારીખ 4 થીએ દુકાનની આજુ-બાજુમાં રેકી કરી સાંજે મોપેડ પર સોનુ વર્મા,સન્ની પ્રધાન તેમજ અભિષેક ચાઈનીસ નાઓએ દુકાનમાં ઘુસી સન્ની ઉર્ફે પ્રધાને ફરીયાદીના માથા પર પિસ્ટલ મુકીને ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયાની લૂંટ કરીને ભાગી ગયા હતા.પોલીસે આરોપીઓ વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરી છે.