Surat: માનસિક તણાવમાં ત્રણ સંતાનોની માતાએ શરીરે કેરોસીન છાંટી કર્યો આપઘાત
માનસિક તણાવમાં ત્રણ સંતાનોની માતાએ શરીરે કેરોસીન છાંટી કર્યો આપઘાત સુરતમાં આજ રોજ બે મહિલાઓના શંકાસ્પદ મોતને લઈ ચકચાર જવા પામી છે. શુક્રવારની સવારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મહિલા કર્મચારીની લાશ મળી આવી હતી. ત્યાર બાદ શહેરના ડીંડોલી વિસ્તારમાં ઘરમાં એક મહિલા સળગતી હાલતમાં મળી આવતા અફરા તફરી મચી ગઇ છે. સવારના સમયે મહિલા ઘરમાં કામ કરી રહી હતી તે દરમિયાન અચાનક ઘરની બારીનો કાચ તૂટવાનો અવાજ આવ્યો હતો અને ત્યારબાદ મહિલાને સળગતી હાલતમાં જોતા પાડોશીઓએ ઘટના અંગે 108 ને જાણ કરી હતી. જ્યાં 108 ની ટીમે સ્થળ પર પહોંચી મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો? જો કે આગને કારણે મહિલા સંપૂર્ણ રીતે બળી જતા તે મોતને ભેટી હતી. ઘટના અંગે ડીંડોલી પોલીસને જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં આ મહિલાએ આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
ઘટના અંગે મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતના ડીંડોલીના વિસ્તારમાં આનંદી ટાઉનશિપમા રહેતા પુનાજી ચૌધરી ચાર દિવસ અગાઉ રાજ્સ્થાન મંદિરે ગયા હતા અને તેમની પત્ની સુજીદેવી ચૌધરી અને ત્રણ બાળકો સુરતમાં હતા. ત્યારે આજ રોજ સવારના સમયે બાળકો શાળા એ ગયા હતા અને સુજીદેવી ચૌધરી ઘરમાં એકલા હતા. તેમના ઘરના બારી બારણાં બંધ હતા. પરંતુ અચાનક કાચની બારી તૂટવાનો અવાજ આવતા પાડોશીઓ દોડી આવ્યા હતા. અને ઘરના તેરસ પર થી અંદર જોતા સુજીદેવી ચૌધરી સળગતી હાલતમાં જોવા મળ્યા હતા. ઘટના અંગે પડોશી એ પોલીસ અને 108 ને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી.
ઘટના સ્થળે દોડી આવેલ 108ની ટીમે મહિલા સળગતી હોય ફાયર એક્સ્ટિંગ્યુસર બોટલ થકી આગ પર કાબૂ મહિલા ને બચાવવામાં પ્રયત્નો કર્યા હતા.જો કે આગને કારણે મહિલા સંપૂર્ણ પણે બળી જતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મહિલાનો જીવ બચાવવા માટે 108ની મહિલા કર્મચારીએ જાતે વિભાગનું કામ કર્યું હતું પરંતુ મહિલાને બચાવી શક્યા ન હતા.
મહિલા ના મોત અંગે પોલીસ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ મહિલા ઘરમાં એકલી હતી તે દરમિયાન શરીરે કેરોસીન છાંટીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મહિલા છેલ્લા ત્રણેક વર્ષથી માનસિક તણાવમા હતી જેને કારણે તેણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. હાલ આ મામલે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.