સામાન્ય સભાનું લાઈવ પ્રસારણ કરવાની કેમ કરી વિપક્ષે મેયર સમક્ષ માંગ ?
સામાન્ય સભામાં(General Board) વિરોધ પક્ષ અને શાસકો વચ્ચેના હોબાળા દરમ્યાન મેયર(Mayor) દ્વારા વિરોધ પક્ષના સભ્યોને ફક્ત ભથ્થુ મેળવવા માટે જ સામાન્ય સભામાં ભાગ લેવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને પગલે વિરોધ પક્ષના કોર્પોરેટરો દ્વારા મેયરને આવેદન પત્ર પાઠવીને સામાન્ય સભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવા અંગે રજુઆત કરી હતી.
વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આ અંગે જણાવ્યું હતું કે, જો મેયરને લાગતું હોય કે વિરોધ પક્ષના નેતા માત્ર ભથ્થું લેવા માટે સામાન્ય સભામાં ભાગ લઈ રહ્યા છે તો તેઓએ સામાન્ય સભાનું લાઈવ પ્રસારણ કરવાનો નિર્ણય લેવો જોઈએ. જેને પગલે નગરજનો પણ સામાન્ય સભાની કાર્યવાહીથી માહિતગાર થવાની સાથે – સાથે શાસકો અને વિરોધ પક્ષ પૈકી કયાં કોર્પોરેટરો દ્વારા શહેરની વિવિધ સમસ્યાઓ અંગે રજુઆત કરવામાં આવે છે તેની પણ જાણકારી મળે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો મેયર દ્વારા આ પ્રકારનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવે તો ખબર પડશે કે કઈ પાર્ટીના કોર્પોરેટરો માત્ર ભથ્થું લેવા માટે સામાન્ય સભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે આવે છે.