દેશમાં પહેલીવાર સેનામાં ભરતી થવા માટે VNSGU દ્વારા શરૂ કરાયો સર્ટિફિકેટ કોર્સ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) સંલગ્ન નવયુગ કોલેજ દ્વારા યુવાનોને આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી માટે લાયક બનાવવા માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. દેશની આ પહેલી યુનિવર્સિટી છે, જ્યાં સંલગ્ન કોલેજમાં 45 કલાકનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ સર્ટિફિકેટ કોર્સ અગ્નિપથ યોજના હેઠળ આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી દરમિયાન યુવાનો માટે મદદરૂપ સાબિત થશે.
નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ, યુનિવર્સિટીઓને આવા અભ્યાસક્રમો તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે, જે યુવાનોના કૌશલ્યમાં વધારો કરશે અને તેમને ડિગ્રીની સાથે રોજગાર પણ પ્રદાન કરશે. VNSGU એ સંલગ્ન કોલેજોમાં 200 થી વધુ પ્રમાણપત્ર અભ્યાસક્રમો શરૂ કર્યા છે. રાંદેર રોડ સ્થિત નવયુગ કોલેજમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ થયો છે. આમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને 80 ટકા પ્રેક્ટિકલ અને 20 ટકા થિયરી જ્ઞાન આપવામાં આવશે.
દેશની પ્રથમ યુનિવર્સિટી
ઘણી ખાનગી સંસ્થાઓ સૈન્ય ભરતી માટે તાલીમ પૂરી પાડે છે, પરંતુ VNSGU એ દેશની પ્રથમ યુનિવર્સિટી છે જે યુવાનોને આર્મી ભરતી માટે તાલીમ આપે છે. અગ્નિવીર ભરતીમાં યુવાનો માટે પણ તે મદદરૂપ થશે.
ટ્રેનિંગ અને એડમિશન સેનાના નિયમો મુજબ થશે. તેને સેનાના નિયમો અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. VNSGU એ પ્રથમ યુનિવર્સિટી છે જેમાં આ ક્રેડિટ પોઇન્ટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રવેશ માટેની પાત્રતા
યુવાનોને એરફોર્સના નિવૃત અધિકારી દ્વારા તાલીમ આપવામાં આવશે. 17 થી 23 વર્ષના 10 પાસ યુવાનોને પ્રવેશ મળશે. આમાં પ્રવેશ મેળવવા માટે યુવાનોએ આર્મીના નિયમો અનુસાર પોતાને લાયક સાબિત કરવાનું રહેશે.
લાયક માર્ગદર્શન માટે અભ્યાસક્રમ
ઘણા યુવાનો યોગ્ય માહિતીના અભાવે સેનામાં જોડાઈ શકતા નથી. જેને ધ્યાનમાં રાખીને આ કોર્સ દ્વારા યુવાનોને આર્મીમાં જોડાવા, ફોર્મ ભરવા અને તેમને સેના માટે લાયક બનાવવાની તાલીમ આપવામાં આવશે.
ગુજરાતના યુવાનો માટે
યુનિવર્સિટી વહીવટીતંત્રનું કહેવું છે કે, ગુજરાતના યુવાનોની પણ મોટી સંખ્યામાં સેનામાં નિમણૂક થાય તે હેતુથી તેને મંજૂરી આપવામાં આવી છે. માર્ગદર્શનના અભાવે ગુજરાતના યુવાનો આર્મી ભરતીમાં પાછળ રહી જાય છે.