રજિસ્ટ્રાર કચેરીમાં બે રજા રદ્દ થવાથી રાજ્ય સરકારને 15 કરોડથી પણ વધારેની આવક : સુરતમાં 2150 મિલકતોની થઇ નોંધણી
માર્ચ (March) મહિનામાં શહેરની તમામ સબ-રજિસ્ટ્રાર(Registrar) કચેરીઓમાં બીજા અને ચોથા શનિવારની રજા રદ કરીને રાજ્ય સરકારે રૂ. 15 કરોડથી વધુની કમાણી કરી છે. આ બે દિવસ દરમિયાન શહેરની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં કુલ 2150 મિલકતોની નોંધણી કરવામાં આવી હતી.
નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં, મોટી સંખ્યામાં લોકો મિલકતની નોંધણી માટે શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીઓ પહોંચે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારના આદેશથી જિલ્લા કલેક્ટરે માર્ચ મહિનાના ચોથા અને બીજા શનિવારને રદ કરીને રજિસ્ટ્રીની કામગીરી ચાલુ રાખવાનો આદેશ કર્યો હતો. જેના કારણે રજાના દિવસે પણ લોકોને રજીસ્ટ્રેશન કરાવવાનો સમય આપવામાં આવ્યો હતો.
રજિસ્ટ્રી ઇન્સ્પેક્ટર સંદીપ સવાણીએ જણાવ્યું કે 11 અને 25 માર્ચના આદેશ મુજબ સુરત-1 (અઠવા), સુરત-2 (ઉધના), સુરત-3 (નવાગામ), સુરત-4 (કતારગામ), સુરત-5 (અલથાણ) , સુરત-6 (કુંભારિયા), સુરત-7 (હજીરા), સુરત-10 (નાનાપુરા), કામરેજ, માંગરોળ, ઓલપાડ અને પલસાણા સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. 11 માર્ચે, 625 મિલકતો નોંધાઈ હતી, જેના કારણે સરકારી તિજોરીમાં 3,58,88,792 રૂપિયા જમા થયા હતા.
જ્યારે 25 માર્ચે 1525 મિલકતોની નોંધણી કરવામાં આવી હતી, જેના કારણે સરકારને 11,63,62,696 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની આવક થઈ હતી. એટલે કે રજાના બે દિવસમાં 2150 મિલકતોની નોંધણી થઈ હતી અને રાજ્ય સરકારને તેમાંથી 15,22,51,488 રૂપિયાની આવક થઈ હતી.