સલાબતપુરામાંથી બાંગ્લાદેશી મહિલાની પોલીસે ધરપકડ
સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં વધુ એક બાંગ્લાદેશી મહિલાને એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. સલાબતપુરા ખાતે રહેતી આ મહિલા પાસેથી પોલીસે આધાર કાર્ડ સહિત બાંગ્લાદેશી પાસપોર્ટ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
એસઓજી પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી – પાડવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે હેઠળ સલાબતપુરા વિસ્તારમાં એક ૬૫ વર્ષીય મહિલા બાંગ્લાદેશની વતની હોવાની બાતમી મળતાં પોલીસ દ્વારા તેની અટકાયત કરીને પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવીહતી. માલેકા બેગમ નામની આ મહિલા દ્વારા પ્રાથમિક પૂછપરછ દરમ્યાન પોતે સુરતની વતની હોવાનું જણાવ્યું હતું તેની પાસે રહેલો આધાર કાર્ડ પણ બતાવ્યો હતો. જો કે, પોલીસે શંકા જતાં તેની સખ્ત પૂછપરછ દરમ્યાન તે ભાંગી પડી હતી અને તે ૨૦૨૦માં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની સરહદેથી સુરત આવી હોવાનું જણાવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી આ વૃદ્ધ મહિલા સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં ભીક્ષુક તરીકે જીવન ગુજારતી હોવાનું જણાવ્યું હતું અને તેની પાસેથી પોલીસે બાંગ્લાદેશી પાસપોર્ટ સહિત કોવિડ-૧૯નું વેક્સીનેશન સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે. પોલીસ દ્વારા હાલ આ બાંગ્લાદેશી મહિલા દ્વારા ક્યાં અને કોની પાસેથી આધાર કાર્ડ સહિતના ભારતીય પુરાવા ઉભા કરવામાં આવ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.