કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાઇકલવાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ : બેની ધરપકડ
પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસ(Congress) અગ્રણી અસલમ સાયકલવાલા વિરૂદ્ધ લિંબાયત(Limbayat) પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ખોટા દસ્તાવેજો બનાવીને મેડિક્લેઈમના નાણા પડાવવાના પ્રયાસ કરનાર આફતાબ પટેલ, સદ્દામ, શરીફ અને મોહસિન શાહ સહિત અસલમ સાયકલવાલા વિરૂદ્ધ મેડિક્લેઈમ કંપનીના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને પગલે લિંબાયત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મેડિક્લેઈમ કંપની બજાજ એલીયાન્ઝમાં કામ કરતાં અને જહાંગીરપુરા ખાતે રહેતા 38 વર્ષીય કિશન મોહનદાસ રંગવાણીને ચારેક મહિના પહેલાં મદિના મસ્જીદ પાસે આવેલ આફતાબ પટેલ નામક વ્યક્તિની કેબલની ઓફિસમાં આરોપીઓએ બોલાવેલ હતો. જ્યાં આ તમામ આરોપીઓ દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે મેડિક્લેઈમના નાણાં કઢાવવા માટે કાવતરૂ રચવામાં આવ્યું હતું. દર્દી મોહસીન શાહ સલીમ શાહને પણ આ કાવતરામાં શામેલ કરીને મેડિક્લેઈમ પાસ કરાવવા માટે ખોટા કાગળો ઉભા કરવામાં આવા હતા. આ ડોક્યુમેન્ટ્સ કંપનીમાં રજુ કરી અસલ્મ સાયકલવાલાના કહેવા મુજબ દર્દી મોહસીનના મેડીક્લેઈમના નાણાં ગેરકાયેદસર રીતે પાસ કરાવવા માટે કિશન મોહનદાસ રંગવાણીને કેબલની દુકાનમાં ગોંધી રાખીને તેની પાસેથી મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. આ દરમ્યાન આફતાબ પટેલ અને સદ્દામ નામના ઈસમોએ ફરિયાદીને ખુરસી પર બેસાડીને ઢીક્કા મુક્કીનો માર મારી અમને અસલમ સાયકલવાલાએ આ મેડિક્લેઈમ પાસ કરાવવા માટે કામ સોંપેલ હોવાનું જણાવ્યું હતું અને તારે આ મેડિકલેઈમ પાસ કરવો જ પડશે તેવી ધમકી આપી હતી.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તેની પાસેથી બળજબરી મોબાઈલ ફોન આંચકી લીધા બાદ આરોપીઓએ તેમાં રહેલ દર્દીની સારવાર અંગેના સવાલ – જવાબ સહિતના તમામ વીડિયો રેકોર્ડિંગ ડિલીટ કરી દીધા હતા. આ સિવાય ફરિયાદી પાસેથી જબરજસ્તી બળજબરીપૂર્વક મોહસીન શાલનો મેડિક્લેઈમ સાચો છે તેવું બોલાવીને જે અંગેનો વીડિયો રેકોર્ડ કરાવી હવે તમામ મેડિક્લેઈમ પાસ થઈ જવા જોઈએ તેવી ધમકી આપી હતી અને જો કોઈ મેડિક્લેઈમ રિજેક્ટ કર્યો છે તો ફરિયાદી કિશન રંગવાણીને જોઈ લેવાની ધમકી પણ આપી હતી. ફરિયાદી દ્વારા ચાર મહિના બાદ નોંધવામાં આવેલી આ ફરિયાદને પગલે લિંબાયત પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આફતાબ પટેલ અને શરીફની ધરપકડ
લિંબાયત પોલીસ મથકમાં બોગસ ડોક્યુમેન્ટ્સ ઉભા કરીને મેડિક્લેઈમ પાસ કરાવવાના કારસામાં કોંગ્રેસના અગ્રણી અસલમ સાયકલવાલા સહિત પાંચ આરોપીઓ વિરૂદ્ધ નોંધાવવામાં આવેલી ફરિયાદને પગલે સમગ્ર પ્રકરણની તપાસ પી.આઈ. વાય.જે. અંજારિયાને સોંપાવામાં આવી છે. પીઆઈ અંજારિયાએ ફરિયાદના આધારે લિંબાયતમાં જ રહેતા આફતાબ પટેલ અને શરીફ નામક બે આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બીજી તરફ ચાર મહિના બાદ નોંધાયેલી ફરિયાદ મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે, ફરિયાદી ડરી ગયો હતો અને ત્યારબાદ તેણે કંપનીના અધિકારીઓ સાથે આ સમગ્ર પ્રકરણ અંગે ચર્ચા કરતાં અધિકારીઓએ જ જવાબદાર આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા માટે જણાવેલ હતું. જેને પગલે ફરિયાદીએ સમગ્ર ઘટના અંગે ચાર મહિના બાદ ફરિયાદ નોંધાવી છે.