ઉન વિસ્તારમાં ઘમઘમતા તાડીના અડ્ડા પર જનતા રેઇડ: તાડી પીધા બાદ યુવકનું ચક્કર ખાઈને મોત થયું હોવાનો આક્ષેપ
કોંગ્રેસ અગ્રણી અસલમ સાઈકલવાળાએ ઉઠાવ્યા સવાલ
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દારૂના અડ્ડા બંધ કરાવવા કરી અપીલ..
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરત શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે અને દારૂ હાટડીઓ પણ ખુલ્લે આમ ધમધમી રહી છે.ત્યારે ગતરોજ ઊન વિસ્તારના એક યુવકનું તાડી પીધા બાદ મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને પોલીસની રહેમ નજર હેઠળ ધમધમતા તાડી અને દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવે તેવી માંગ સાથે મહિલાઓ સહિત સ્થાનિક લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. અને દારૂના અડા પર જનતા રેડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સુરતના ઉન વિસ્તારના બંગાળી વસ્તી નરગીસ નગરમાં રહેતા સલીમ ગાઝી નામનો યુવક તાડીના અડ્ડા પરથી તાડી પીધા બાદ ઘરે આવ્યો હતો અને ત્યાં બાથરૂમ માં તે ચક્કર ખાઈને પડી ગયો હતો.જેને સારવાર અર્થે સિવિલ લઈ જતા તબીબોય તેને મૃત જાહેર કર્યો હતો.યુવકના મોત બાદ તેના પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેઓના આક્ષેપ છે કે ઉન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા અડ્ડાઓને કારણે અગાઉ પણ એક વ્યક્તિનું મોત થયું હતું અને હવે સલીમ ગઝીનું મોત નિપજ્યું છે.આ મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ તો કરવામાં આવે છે પરંતુ કોઈ ચોક્કસ કાર્યવાહી કરી આ પ્રવૃત્તિ બંધ કરાવવામાં નથી આવતી, એટલું જ નહીં પરંતુ પોલીસ જ તેમને છાવરી રહી છે અને રૂપિયા વસૂલી રહી છે, તો બીજી તરફ આ ન્યુસન્સને કારણે લોકો નશામાં ધકેલાઈ રહ્યા છે.
ઉન વિસ્તારમાં તાડી પીધા બાદ યુવકનું ચક્કર ખાઈને મોત થયું હોવાનો આક્ષેપ સાથે આજ રોજ સ્થાનિક વિસ્તારની મહિલાઓ સહિત રહીશોએ મળી ઉકળતા રોષ વચ્ચે અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી.તો બીજી તરફ આ મામલે કોંગ્રેસ અગ્રણી અસલમ સાઈકલવાળાએ પણ પ્રશાસન સામે સવાલ ઉઠાવ્યા હતા.તેઓએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સંબોધી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દારૂના અડ્ડા બંધ કરાવવા કરી અપીલ કરી હતી.
કોંગ્રેસ અગ્રણી અસલમ સાઈકલવાળાએ પોસ્ટ કરતા લખ્યું છે કે “આ મહિલાઓ આપણાં સુરત શહેરનાં ઉન વિસ્તારની છે. જે વિસ્તાર ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉર્ફ ભાઉનાં સંસદીય ક્ષેત્રમાં આવે છે.દેશી દારૂ પીવાથી સ્થાનિક એક યુવાનનાં મોત સંદર્ભે પોલીસ તંત્રની રહેમરાહ દ્રષ્ટિ હેઠળ ચાલતા દારૂનાં અડ્ડા વિરૂદ્ધ સ્થાનિક મહિલાઓ ના છૂટકે રણચંડી બની છે”