ટ્રાફિક પોલીસે સવા બે મહિનામાં 51,193 ઈ-મેમો મોકલ્યા : 26 હજાર લોકોએ હજી દંડ નથી ભર્યો
શહેર ટ્રાફિક (Traffic) પોલીસે 16 જાન્યુઆરીથી ટ્રાફિકના નિયમોના(Rules) ભંગ માટે વન નેશન, વન ચલણ સિસ્ટમ લાગુ કરી છે. તેના અમલીકરણના સવા બે મહિનામાં, 51,193 વાહન ચાલકોને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે. જોકે, આમાંથી અડધા લોકોએ જ દંડ ભર્યો છે. પોલીસ હવે કડક વલણ અપનાવવા જઈ રહી છે. દંડ ન ભરનારાઓ સામે પોલીસે નોન કોગ્નીઝેબલ ફરિયાદો કોર્ટમાં દાખલ કરવાની કવાયત શરૂ કરી છે.
ટ્રાફિક પોલીસ વિભાગના ડેપ્યુટી કમિશનર અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યના મેટ્રોપોલિટન શહેરોમાં ટ્રાફિક નિયમોના કડક અમલીકરણ માટે 16 જાન્યુઆરીથી સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં વન નેશન, વન ચલણ લાગુ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અન્ય રાજ્યોના ડ્રાઈવરોને પણ ઈ-મેમો મોકલવામાં આવી રહ્યા છે. 16 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 51,193 વાહન માલિકોને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે. જેમાંથી 29046એ દંડ ભર્યો નથી. હવે દંડ ભરવા માટે 25 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યાર બાદ દંડ ન ભરનાર વાહન માલિકો સામે કોર્ટમાં નોન કોગ્નીઝેબલ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
વન નેશન, વન ચલણ હેઠળ કોઈપણ રાજ્યના વાહનનું ચલણ જનરેટ કરીને ઈ-મેમો મોકલી શકાય છે. જ્યારે કોઈ વાહનચાલક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતો સીસીટીવી કેમેરામાં કેદ થાય છે ત્યારે તેના ફૂટેજ પરથી એક ઈમેજ બનાવવામાં આવે છે. સેન્ટ્રલ ડેટા સેન્ટરને વાહન નંબર મોકલવા પર, ડ્રાઇવરનું નામ અને સરનામું પ્રાપ્ત થાય છે અને ઇ-મેમો સીધો વાહન માલિકના મોબાઇલ પર જાય છે. તેની સાથે એક લિંક પણ મોકલવામાં આવે છે જેની સાથે વાહન માલિક ઓનલાઈન દંડ ભરી શકે છે.