સુરતમાં ઉનાળાની શરૂઆતે જ પાંચ ઝોન વિસ્તારમાં બે દિવસ રહેશે પાણીકાપ
આગામી તારીખ 23-24 માર્ચે શહેરના કુલ 9 પૈકી પાંચ ઝોન વિસ્તારોમાં હાઇડ્રોલિક વિભાગની મેઇન્ટેનન્સની કામગીરીને પગલે પાણી કાપની અસર રહેશે. ભારે ગરમીની શરૂઆતમાં જ પાણી કાપની અસરથી નગરજનો પર વિપરિત અસર પડશે તેથી તંત્ર દ્વારા આગોતરી રીતે આ અંગે શહેરીજનોને જાણ કરવામાં આવી છે. જેથી જરૂરી વ્યવસ્થા ઊભી કરી શકાય.
ખટોદરા જળવિતરણ મથક ખાતે સરથાણા વોટરવર્ક્સથી આવતી પાણીની મુખ્ય લાઇન પર વાલ્વ રીપ્લેસ, સરથાણા વોટર વર્કસથી કતારગામ વોટર વર્ક્સમાં આવતી લાઇન સાથેના જોડાણને બંધ કરવાની કામગીરી તથા અન્ય બે ભૂગર્ભ ટાંકીઓના ઇન્ટર કનેક્શનની કામગીરી હાઇડ્રોલિક વિભાગ દ્વારા 23 માર્ચે સવારે 8 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને પગલે વિવિધ જળવિતરણ મથકોની અંડર ગ્રાઉન્ડ ટાંકીઓમાં પાણીનો સંગ્રહ કરી શકાય તેમ ન હોવાથી ઉધના ઝોન-એ, વરાછા, લિંબાયત, સેન્ટ્રલ અને અઠવા ઝોનના મોટાભાગના વિસ્તારોમાં પાણીકાપની અસર રહેશે.
અંદાજે 20 લાખથી વધુ લોકો પ્રભાવિત થશે.
તા. 23 મી એ ઉધના ઝોન-એ માં બમરોલી તેમજ ગોવાલકની સોસાયટીઓ, પાંડેસરા જી.આઇ.ડી.સી., ખટોદરા જી.આઇ.ડી.સી. તથા તેને સંલગ્ન વિસ્તાર, વરાછા ઝોનમાં અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા, આઇમાતા રોડ તથા તેને સંલગ્ન વિસ્તાર, લિંબાયત ઝોનમાં લિંબાયત, નીલગીરી સર્કલનો આજુબાજુનો વિસ્તાર, નવાગામ(ડીંડોલી), રીંગ રોડને સમાંતર ટેક્ષાટાઇલ માર્કેટો, હળપતિ કોલોની, ડી ટેનામેન્ટ ગાંધીનગર, બેઠી કોલોની તથા તેને સંલગ્ન વિસ્તાર, સેન્ટ્રલ ઝોનમાં દિલ્હીગેટ થી ચોક બજાર, રાજમાર્ગને સમાંતર વિસ્તારો, રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, અલકાપુરી, ગોટાલાવાડી તથા તેને સંલગ્ન વિસ્તાર તેમજ અઠવા ઝોનમાં સીવીલ હોસ્ખિટલ, ભીમરાડ, ખજોદ, સરસાણા તથા સંલગ્ન વિસ્તાર, વેસુ, ભરથાણા, ડુમસ, ગવિયર, સુલતાનાબાદ, કાંદી ફળીયા, ભીમપોર તથા તેને સંલગ્ન વિસ્તારોમાં પાણીકાપની અસર રહેશે