સુરતના સુમન મલ્હાર આવાસના ભાડુઆતોને મકાન ખાલી કરવા લાભાર્થીઓએ આપ્યું અલ્ટીમેટમ
શહેરમાં ગૌરવપથ રોડ પર આવેલ સુરત મહાનગર પાલિકા(SMC) દ્વારા નિર્મિત સુમન મલ્હાર આવાસમાં છેલ્લા ઘણા સમયથી ભાડુઆતોના ન્યૂશન્સને કારણે લાભાર્થીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારી નીતિ – નિયમોને ઠેબે ચઢાવીને ફ્લેટ હોલ્ડરો દ્વારા બારોબાર મકાનો ભાડે આપી દેવામાં આવતાં અન્ય મકાન માલિકો દ્વારા આ અંગે રજુઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. ગત રાત્રે ફ્લેટ હોલ્ડરો દ્વારા ભાડુઆતો વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે વહેલી તકે મકાનો ખાલી કરાવવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને જો ભાડુઆતો દ્વારા મકાન ખાલી નહીં કરવામાં આવે તો વીજ જોડાણ પણ કાપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અલગ – અલગ વિસ્તારોમાં પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી વેસુ ખાતે આવેલા સુમન મલ્હાર આવાસમાં કેટલાક લાભાર્થીઓ દ્વારા પોતાના ફ્લેટો બારોબાર ભાડે આપી દેવામાં આવ્યા છે. જેના કારણે આવાસમાં વસવાટ કરતાં અન્ય ફ્લેટ હોલ્ડરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાડુઆતોને કારણે અનેક સમસ્યાઓ ઉદ્ભવતી હોવાનું જણાવીને ફ્લેટ હોલ્ડરો દ્વારા આ અંગે મહાનગર પાલિકા સમક્ષ રજુઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એક તરફ ખુદ મહાનગર પાલિકા દ્વારા ફ્લેટના લાભાર્થીઓ સાત વર્ષ સુધી ફ્લેટનું વેચાણ કે ભાડે ન આપી શકે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે ત્યારે આ નિયમનો સરેઆમ ભંગ થતો હોવા છતાં મનપાના વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ મકાન માલિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગઈ કાલે સુમન મલ્હાર આવાસના કેમ્પસમાં જ ફ્લેટ હોલ્ડરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ભાડુઆતોને વહેલી તકે મકાનો ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને જો તેમ કરવામાં ભાડુઆતો દ્વારા કસૂર કરવામાં આવશે તો વીજ કનેકશન પણ કાપી નાખવા સુધીની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી.
અસામાજીક તત્વોનો અડ્ડો બન્યોઃ સ્થાનિકોનો આક્ષેપ
સુમન મલ્હાર આવાસમાં ઘણા લાભાર્થીઓ દ્વારા બારોબાર ફ્લેટ ભાડે આપી દેવામાં આવ્યા હોવાને કારણે અન્ય ફ્લેટ હોલ્ડરોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ ફ્લેટ હોલ્ડરો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, ભાડુઆતોના નામે કેટલાક અસામાજીક તત્વો વસવાટ કરતાં હોવાને કારણે શાંતિ અને સલામતી અંગેનું જોખમ ઉભું થવા પામ્યું છે. જેને પગલે સોસાયટીની બેઠકમાં તમામ ફ્લેટ હોલ્ડરોએ એકમત થઈને ભાડુઆતો વિરૂદ્ધ રણશિંગૂ ફુંક્યું હતું.