હું રાષ્ટ્રવાદી અને દેશભક્ત છું, પાકિસ્તાનની સાથે ખાલિસ્તાનનો પણ વિરોધી : લોરેન્સ બિશ્નોઇ
સિદ્ધુ મુસેવાલા(Siddhu Musevala) કેસના આરોપી અને અન્ય ઘણા કેસોમાં ટ્રાયલ ચાલી રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ રાષ્ટ્રીય ન્યૂઝચેનલના વરિષ્ઠ પત્રકાર સાથે વાતચીત કરી છે. જેલમાંથી જ વિડિયો કોલ સાથે જોડાયેલા બિશ્નોઈએ ઘણા મામલામાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
લોરેન્સે કહ્યું, હું સિદ્ધુ જેવો નથી, હું પાકિસ્તાનની સાથે સાથે ખાલિસ્તાનની વિરુદ્ધ પણ છું. તેણે કહ્યું, હું રાષ્ટ્રવાદી માણસ છું, હું દેશભક્ત છું, માત્ર હું જ નહીં મારી ગેંગના તમામ લોકો દેશભક્ત છે. અમે તેમની વિરુદ્ધ છીએ જે દેશની વિરુદ્ધ છે.
કોંગ્રેસે મુસેવાલાને મસીહા બનાવ્યા
મુસેવાલાની હત્યા અંગેના પ્રશ્નોના જવાબમાં બિશ્નોઈએ કહ્યું કે, કોંગ્રેસે જ તેમને મસીહા બનાવ્યા છે, પરંતુ તેમણે તેમના જીવનકાળ દરમિયાન કયા મુદ્દાઓ સામે વાત કરી? બિશ્નોઈએ સવાલ ઉઠાવ્યો, બધા કહે છે કે તે ખૂબ જ બેફામ બોલતા હતા, પરંતુ હું જાણવા માંગુ છું કે કોઈ એક એવો મુદ્દો જણાવે જેના પર મુસેવાલાએ બેફામ વાત કરી હોય.
બિશ્નોઈએ સવાલ પૂછ્યો કે તેમણે સ્ટેજ પર કંઈક સારી વાત કહી હશે, અમે જાણવા માંગીએ છીએ કે તેમણે આવી કઈ વાત કહી. શું તમે ક્યારેય પાકિસ્તાન વિરુદ્ધ કંઈ કહ્યું છે, શું તેને આપણા સૈનિકોની શહાદત વિશે વાત કરી છે, શું તેને ડ્રગ્સ વિશે વાત કરી છે?
સિદ્ધુના પિતા ચૂંટણી લડવા માંગે છે
સિદ્ધુ મુસેવાલાના પિતાને ધમકીઓ અંગે ચેનલના પ્રશ્નના જવાબમાં લોરેન્સે કહ્યું, “એ વાત સાચી છે કે સિદ્ધુ સાથે અમારો મતભેદ હતો, અને તેના માટે અમે તેમની સામે કાર્યવાહી કરી હતી, પરંતુ અમારે તેમના પરિવાર સાથે કોઈ લડાઈ નથી.”
લોરેન્સે કહ્યું, તેના પિતા અમારા વડીલ જેવા છે. અમે તેના પુત્રને ટાર્ગેટ કર્યો હોવાથી તે બદલો લેવા માટે આવું બોલતો હોવો જોઈએ, અને તેણે આગળની ચૂંટણી લડવી છે, તો આ પણ એક કારણ હોઈ શકે છે. બાકી, સિદ્ધુ પછી અમે ક્યારેય તેમના પરિવારને ધમકી આપી નથી.