બે દિવસમાં અમેરિકામાં બે મોટી બેંક થઇ બંધ : ભારતીય શેરબજાર પર થઇ મોટી અસર
અમેરિકાની(USA) બે મોટી બેંકો બંધ થયા બાદ વિશ્વના(World) અનેક શેરબજારોમાં હોબાળો મચી ગયો હતો. જ્યારે ભારતીય શેરબજારોમાં સોમવારે સતત ત્રીજા દિવસે ઘટાડો ચાલુ રહ્યો હતો અને BSE સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
યુએસમાં, સિલિકોન વેલી બેંક (SVB) પછી સિગ્નેચર બેંકના બંધ વચ્ચે બેંક, ફાઇનાન્સ અને ઓટો શેરોમાં ભારે વેચવાલીને કારણે સ્થાનિક બજારમાં ઘટાડો થયો હતો. વેપારીઓના મતે, સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા પોલિસી રેટમાં વધારાની આશંકા અને નબળા સ્થાનિક ચલણની પણ બજાર પર અસર વચ્ચે વિદેશી ભંડોળનો પ્રવાહ ચાલુ રહ્યો હતો.
સેન્સેક્સ ઊંચકાયો, પછી ઘટ્યો
શરૂઆતના વેપારમાં સેન્સેક્સમાં 375 પોઈન્ટનો વધારો થયો હોવા છતાં તે તેની લીડ જાળવી શક્યો ન હતો અને અંતે 897.28 પોઈન્ટ અથવા 1.52 ટકા ઘટીને 58,237.85 પર બંધ થયો હતો. છેલ્લા પાંચ મહિનામાં આ સૌથી નીચું સ્તર છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 નુકસાનમાં જ્યારે માત્ર એક નફામાં સમાપ્ત થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 258.60 પોઈન્ટ એટલે કે 1.49 ટકાના ઘટાડા સાથે 17,154.30 પર બંધ થયો હતો. સામેલ 50 શેરોમાંથી 45 નુકસાન સાથે બંધ થયા હતા.
સેન્સેક્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક સૌથી વધુ ઘટ્યો હતો. તેમાં 7.46 ટકાનો ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક અને ઈન્ફોસિસ પણ ખોટ સાથે સમાપ્ત થઈ હતી. માત્ર ટેક મહિન્દ્રાનો સ્ટોક નફાકારક રહ્યો હતો.
વિશ્વ પર અમેરિકન પ્રભાવ
અમેરિકાના SVB ફાયનાન્શિયલના બંધની અસર બજાર પર દેખાઈ રહી છે. આ બેંક ખાસ કરીને સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડે છે. આ બેંકની નિષ્ફળતાની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે.
નિષ્ણાતોએ શું કહ્યું
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દામાણીએ જણાવ્યું હતું કે 2008થી યુએસમાં મોટી બેંકની નિષ્ફળતા બાદ રોકાણકારો ચિંતિત છે અને તેઓ સુરક્ષિત ગણાતી એસેટ્સમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “સિલિકોન વેલી બેન્ક અને પછી અમેરિકાની પોતાની સિગ્નેચર બેન્કની નિષ્ફળતા પછી વૈશ્વિક બજાર ભારે નીચે આવ્યું છે. ખાસ કરીને યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની આગામી બેઠકમાં લેવાયેલા નિર્ણયની બજારના વેચાણ પર નોંધપાત્ર અસર પડશે. તેમણે કહ્યું, ‘આ સિવાય અમેરિકાના ફુગાવાના આંકડા મંગળવારે આવવાના છે. તેની પણ ટૂંકા ગાળામાં બજાર પર અસર જોવા મળશે. બજારને મોંઘવારી ઘટવાની અપેક્ષા છે. BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 2.08 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 1.82 ટકા ઘટ્યો છે.
ક્યાં અસર થઇ ?
એશિયાના અન્ય બજારોમાં ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, હોંગકોંગનો હેંગસેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી નફાકારક હતો જ્યારે જાપાનનો નિક્કી ખોટમાં હતો. યુરોપના મુખ્ય શેરબજારોમાં બપોર બાદ ઘટાડાની ચાલ જોવા મળી હતી. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.79 ટકા ઘટીને બેરલ દીઠ $ 81.30 પર વેપાર કરે છે. શેરબજારના ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. 2,061.47 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.