Surat: સાયકલ ચલાવતી વેળાએ બાળક ઉંધા માથે પટકાયો,સીસીટીવી જોઈ ચોકી ઉઠશો
સુરતમા વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં એક બાળક સોસાયટીમાં સાયકલ ચલાવતી વેળાએ અકસ્માતનો ભોગ બન્યો હતો. બાળકની સાયકલનું વ્હીલ નીકળી જતા ઉંધા માથે પટકાયો હતો બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બાળકને માથા અને મોઢાના ભાગે ઈજાઓ થતા ૩ દિવસ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ હતો જો કે હાલ તેની તબિયત સારી છે
સોસાયટી કે મહોલ્લામાં બાળકો સાયકલીંગ કરતા હોય છે અને વાલીઓ પોતાના કામમાં વ્યસ્ત થઇ જતા હોય છે તો ઘણી વાર બાળકો સાયકલીંગ કરતી વેળાએ સ્ટંટ કરતા હોય છે ત્યારે આવા વાલીઓ અને બાળકો માટે લાલબતી સમાન ઘટના સુરતમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા કિરણ પાર્ક સોસાયટીમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા ભાવેશભાઈ હરસોરાનો ૧૧ વર્ષીય પુત્ર વૈભવ કે જે ધોરણ ૫માં અભ્યાસ કરે છે. તે પોતાના ઘર પાસે સાયકલીંગ કરી રહ્યો હતો આ દરમ્યાન સોસાયટીમાં બમ્પર પાસે તેણે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું અને બાળક ઉંધા માથે પટકાયો હતો.
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેમાં જોઈ શકાય છે કે બાળક સાયકલ ચલાવી રહ્યો હતો અને બાદમાં બમ્પર પાસે તે ઉંધા માથે પટકાયો હતો. બીજી તરફ ત્યાં લોકો દોડી આવ્યા હતા અને બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં બાળકને માથા અને મોઢાના ભાગે ઈજાઓ થઇ હતી અને ૩ દિવસ સુધી તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જો કે હાલ બાળકની તબિયત સારી છે અને તેને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે
ભાવેશભાઈ હરસોરાએ જણાવ્યું હતું કે મારો પુત્ર વૈભવ સાયકલ ચલાવતો હતો આ દરમ્યાન બમ્પર આવતા સાયકલનું વ્હીલ નીકળી ગયું હતું જેથી તેને માથા અને મોઢાના ગંભીર ઈજાઓ થઇ હતી. ત્રણ દિવસ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પરંતુ હાલ તેની તબિયત સારી છે. બાળકોને વિનંતી છે કે આવી રીતે કોઈ સાયકલ ચલાવે નહિ, સાયકલ ચલાવતી વખતે પણ સાયકલ બરોબર છે કે નહિ તે પણ તકેદારી રાખવી જરૂરી છે. વાલીઓએ પણ આ બાબતે ધ્યાન રાખવા હું અપીલ કરું છું
ઈજાગ્રસ્ત વૈભવે જણાવ્યું હતું કે હું સાયકલ ચલાવી રહ્યો હતો આ દરમ્યાન બમ્પર આવતા સાયકલનું ટાયર નીકળી ગયું હતું અને હું ઉંધા માથે પડ્યો હતો. સાયકલ પર મારા માથે પડી હતી મારું માથું રોડ પર ભટકાયું હતું ત્યારબાદ મને કઈ ખબર નથી. હું વિનંતી કરું છું કે મારી જેમ કોઈ સાયકલ ચલાવતા નહી, સાયકલની સંપૂર્ણ ચકાસણી બાદ જ સાયકલ ચલાવજો
ઉલ્લેખનીય છે કે આ સીસીટીવી ફૂટેજ શોશ્યલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યા છે અને લોકો વાલીઓને પોતાના બાળકોનું ધ્યાન રાખવા માટે અપીલ પણ કરી રહ્યા છે.