વિશ્વ મહિલા દિવસ’ના ઉપલક્ષ્યમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 70 મહિલા સન્નારીઓનું સન્માન
મહિલા પત્રકારો, પોલીસ અધિકારી, પ્રસુતિ કરાવનાર પરિચારિકા અને નર્સ, સ્ટાફનર્સ અને મિલ્ક ડોનર મહિલાઓનું બહુમાન
૮ માર્ચ-વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના પીએસએમ વિભાગ હોલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત નારી સન્માન સમારોહમાં ૭૦ મહિલા સન્નારીઓનું સન્માન કરાયું હતું. પોલીસ કમિશનર અજયકુમાર તોમર, નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કે.એન.ચાવડા તેમજ સાંસદ સી.આર.પાટીલના ધર્મપત્નિ ગંગાબેન પાટીલના હસ્તે મહિલા પત્રકારો, પોલીસ અધિકારી, પ્રસુતિ કરાવનાર પરિચારિકા અને નર્સ, સ્ટાફનર્સ અને મિલ્ક ડોનર મહિલાઓ, કેન્સરના દર્દીઓનું કાઉન્સેલિંગ કરતાં મહિલા કર્મચારીઓ, લેબ. અને એક્ષ-રે ટેકનિશ્યન, સફાઈ કામદારો, સામાજિક વર્કરો એમ ૭૦ નારીરત્નોનું બહુમાન થયું હતું. શ્રીમતી ગંગાબેન પાટીલનું વિશેષ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે પોલીસ કમિશનરaએ જણાવ્યું હતું કે, મહિલા કર્તવ્યનિષ્ઠ, આજ્ઞાકારી, સેવાકીય પ્રવૃત્તિઓમાં યશસ્વી હોય છે, જેથી દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પરંતુ પુરૂષોનું પણ સ્ત્રી પ્રત્યે કર્તવ્ય અને જવાબદારી હોવા જરૂરી છે. જો સ્ત્રી ગુણવાન હોય તો દરેક પુરૂષમાં પણ એ જ ગુણોનું સિંચન હોવું જરૂરી છે, નહિતર પુરૂષ સંપુર્ણ નથી થતો. સાથોસાથ એક સ્ત્રીમાં સારા ગુણો, વિચારો ન હોય તો તે પણ સ્ત્રી તરીકે સંપુર્ણ હોતી નથી. જેથી પુરુષ અને સ્ત્રી બન્નેમાં સારા ગુણો હશે તો સભ્ય અને સુસંસ્કૃત સમાજનું નિર્માણ થશે.
તેમણે કહ્યું કે, શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાની નકારાત્મક અસર શહેરના યુવાધન પર પડી રહી છે, જેને નાથવા માટેની નારીશક્તિના ઉતમ ઉદાહરણરૂપ ક્રાઈમ બ્રાંચની ડીસીપી રૂપલ સોલંકીના નેતૃત્વમાં ઈન્વેસ્ટિગેટીવ યુનિટ ફોર ક્રાઈમ અગેઈન્સ્ટ વુમન (IUCAW)ના એસીપી શ્વેતા ડેનિયલ, મહિલા સેલના એસીપી કે. મીની જોસેફ અને એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ યુનિટના એસીપી બિશાખા જૈનને કાર્યવાહી સોંપવામાં આવી છે, જે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના વાઈસ ચાન્સેલરશ્રી કે.એન.ચાવડાએ જણાવ્યું હતું કે, મહિલાશક્તિ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે, ત્યારે નારીઓ તેમને મળેલા અધિકારો પ્રત્યે સજાગ બને તે જરૂરી છે. નારીમાં શક્તિનો અખૂટ ભંડાર રહેલો છે. મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
આ અવસરે નર્મદ યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર ડો.મહેન્દ્રસિંહ ચોહાણે જણાવ્યું હતું કે, ૩૦ વર્ષથી મહિલાઓના સન્માનની પ્રણાલી નર્સિંગ એસો. નિભાવી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધે એવા સરકારના પ્રયત્નોના ફળસ્વરૂપે આજે મહિલાઓ પગભર બની છે. મહિલાઓમાં દરેક કાર્યને પાર પાડવાની ક્ષમતા છે, તેમની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવાનું કાર્ય એટલે મહિલા સન્માન સમારોહ એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે શ્રીમતી ગંગાબેન પાટીલે દરેક ક્ષેત્રમાં નારીશક્તિનું સન્માન અને અધિકારોની પૂર્તિ થઈ રહી છે. પુરૂષ સમોવડી બની સ્વકર્તવ્ય નિભાવીને સ્ત્રીઓ નારીગૌરવનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહી છે. સરકારે મહિલા સશક્તિકરણના અનેક પ્રયાસો કર્યા છે જેના પરિણામે રાજનીતિમાં મહિલાઓ પુરૂષની બરોબરી કરી રહી છે, પડકારોનો સામનો કરવાની મહિલાની શક્તિઓના કારણે આજે પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં મહિલાઓ કાર્યરત છે.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, આ એક સન્માન સમારોહ નહીં, પણ સામાજિક ક્ષેત્રે પોતાનો કિંમતી સમય આપી સેવાકીય પ્રવૃત્તિ કરતી બહેનોને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ છે. માત્ર ૨૪ મહિલાઓના સન્માનથી અને ૧૮ પ્રેક્ષકોની હાજરીમાં વર્ષ ૧૯૯૪માં ‘નારી સન્માન કાર્યક્રમ’ની શરૂઆત કરી હતી. સામાજિક સેવાકીય મહિલાઓના સહયોગથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં આજદિન સુધીમાં ૩૦૦૦થી વધુ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો.ઋતુંભરા મહેતા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ડો.કાંતાબેન પટેલ, સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો.ઈન્દ્રાવતી રાવ, ક્રાઈમ બ્રાંચના ડીસીપી રૂપલ સોલંકી, ટી.બી.વિભાગના વડા ડો.પારૂલ વડગામા તેમજ હેડ નર્સ, સ્ટાફ નર્સ સહિત લોકલ નર્સિંગ એસો. ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા