સ્માર્ટ સિટીની વાતો ફક્ત હવામાં : પુણાગામના રહીશો એક અઠવાડિયાથી ગટરિયા પુરમાં રહેવા મજબુર
સ્માર્ટ સિટીની(Smart City) વાતો કરતા સુરત મહાનગર પાલિકાના(SMC) નિંભર વહીવટી તંત્રના પાપે વરાછા ઝોનમાં સમાવિષ્ટ પુણાગામના નાગરિકોને છેલ્લા એક સપ્તાહથી ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સોસાયટીમાં ગટરિયા પુરને પગલે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે સ્થાનિકોની રજુઆત તંત્રના બહેરા કાન સુધી ન પહોંચતા હવે લોકોમાં આક્રોશ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. મચ્છર સહિત દુર્ગંધની સમસ્યાને કારણે ક્રિષ્ના નગર સોસાયટીના રહેવાસીઓ માટે ઘરની બહાર નીકળવું પણ દુષ્કર સાબિત થઈ રહ્યું છે.
વરાછાના પુણાગામ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના નગર સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી ગટરમાંથી પાણી નીકળતું હોવાને કારણે આ વિસ્તારના નાગરિકોની હાલત કફોડી થવા પામી છે. ભરઉનાળામાં આ પ્રકારની સ્થિતિને કારણે વરાછા ઝોનમાં રજુઆત કરવા છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું ન હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
સોસાયટીના રહેવાસીઓએ ભારે રોષપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી નર્કાગાર સ્થિતિ વચ્ચે રહેવા માટે મજબુર બન્યા છીએ. હાલત એટલી હદે વિકટ થઈ ગયા છે કે આ વિસ્તારમાં ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેની પણ દહેશત છે. એક તરફ હોળી – ધુળેટીના તહેવાર વચ્ચે આ પ્રકારની વિકટ સમસ્યાને પગલે સોસાયટીના રહેવાસીઓ દ્વારા આ અંગે વહેલી તકે કાર્યવાહી કરવા અંગે તંત્ર સમક્ષ રાવ કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાના નિરાકરણ અંગે કોઈ અધિકારી દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો નથી.