ચાર લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ: રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ
દેશમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતાના 23.2% સાથે ગુજરાત અગ્રેસર
વર્ષ ૧૯૯૩-૯૪ માં દેશની પ્રથમ પવન ઊર્જા નીતિ ગુજરાતમાં અમલમાં આવી હતી. ત્યારબાદ વધુ ચાર પવન ઊર્જા નીતિઓ જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત હાલમાં પાંચમી પવન ઊર્જા નીતિ ૨૦૧૬ અમલમાં છે. આ નીતિ હેઠળ ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં પવન ઊર્જાથી વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા ૯૭૧૨.૦૬ મેગા વોટ છે જેમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાને છે તેમ વિધાનસભા ગૃહમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા પુછાયેલા પ્રશ્નોનો પ્રત્યુતર આપતા ક્લાઇમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
મંત્રી મુકેશ પટેલએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા ૯૭૧૨.૦૬ મેગાવોટ અને સૌર ઉર્જા ની સ્થાપિત ક્ષમતા 6840.20 મેગાવોટ છે.આમ રાજ્યની પવન ઊર્જાની સ્થાપિતદેશની કુલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતાના ૨૩.૨ ટકા છે. આ જ રીતે રાજ્યની સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા દેશની કુલ સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતાના ૧૩.૬ ટકા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સૌર અને પવન ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
મંત્રી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સૌથી વધુ ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો ધરાવે છે જે પવન શક્તિનો સૌથી મોટો સ્ત્રોત છે. ગુજરાતમાં પવન ઊર્જામાં કચ્છ જિલ્લો ૪૯૦૬.૬૮ મેગાવોટ સાથે અગ્રેસર છે. જ્યારે જામનગરમાં ૧૯૪૮ મેગાવોટ, રાજકોટમાં ૭૩૪, અમરેલીમાં ૪૫૬, મોરબીમાં ૩૭૫, સુરેન્દ્રનગરમાં ૩૬૩, દેવભૂમિ દ્વારકામાં ૨૯૫, પાટણમાં ૨૦૮, પોરબંદરમાં ૧૯૬, ભાવનગરમાં ૧૮૯ અને બોટાદમાં ૩૮ એમ કુલ 9712 મેગાવોટથી વધુ પવન ઊર્જા ગુજરાત ઘરાવે છે.
લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા પુછાયેલા પેટા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી પટેલે કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૦૯-૧૦માં શરૂ થયેલી સોલર રૂફટોપ યોજના થકી સૌર વીજ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ઘર પર સોલર રૂફટોપ સ્થાપવામાં માટે વધારાનીજમીનની જરૂરિયાત રહેતી નથી તેનાથી ખર્ચ બચે છે તેમજ વીજળી ઉત્પાદનથી બચત થાય છે. આથી વપરાશકાર અને સરકાર બંનેને ફાયદો થાય છે.આ માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૬- ૧૭માં ખાનગી ઘર પર સોલર રૂફટોપ દ્વારા વીજ ઉત્પાદન માટે નવી પહેલ કરી છે નીતિ અમલ બનાવી છે.
મંત્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે આ યોજના હેઠળ ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી કુલ ૪.૫ લાખ ખાનગી ઘરો પર કુલ ૧૫૮૪ મેગાવોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી છે આ યોજના હેઠળ સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપવા માટે ત્રણ કિલોવોટ સુધી ૪૦% સબસીડી અને ત્રણ કિલો વોટથી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦ ટકા સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે. આ અંતર્ગત ગુજરાતમાં અંદાજે રૂ. ૨,૫૩૯ કરોડથી વધુની સબસીડી ચૂકવવામાં આવે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.