Surat : જાણો સુરત કોર્પોરેશનના બજેટમાં બીજી કઈ નવી જોગવાઈ હશે?
સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા બજેટમાં(Budget) નવા સમાવિષ્ટ વિસ્તારોમાં વિકાસ (Development) કાર્યો બાદ સૌથી વધુ આરોગ્ય ક્ષેત્રે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જ શહેરમાં આવેલ વર્ષો જુની મસ્કતિ હોસ્પિટલમાં હાલમાં ઉપલબ્ધ સુવિધાઓમાં વધારા સાથે 120 બેડની હોસ્પિટલ બનાવવા અંગે બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે. મસ્કિત હોસ્પિટલની કાયાપલટ સાથે શહેરીજનોને વધુ સુવિધા મળી રહે તે માટે નજીકના ભવિષ્યમાં વધુ 9 હેલ્થ સેન્ટરો પણ બનાવવામાં આવશે.
ગંદા પાણીથી છુટકારા માટે પાઈપ લાઈનો બદલાશે
દર વર્ષે ઉનાળાની ઋતુના પ્રારંભ સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો છાશવારે ઉઠતી હોય છે. શાસકો અને વહીવટી તંત્ર માટે સિરદર્દ સમાન આ સમસ્યાના કાયમી છૂટકારા માટે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પરેશ પટેલ દ્વારા બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, શહેરીજનો દ્વારા છાશવારે કરવામાં આવતી ગંદા પાણીની ફરિયાદ અને લીકેજની સમસ્યાને કાયમી ધોરણે દુર કરવા માટે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે અને આવશ્યકતા મુજબ પાણીની પાઈપ લાઈનો બદલવા માટેનું પણ આયોજન હાથ ધરવામાં આવશે. જેને પગલે શહેરીજનોને ગંદા પાણી અને લીકેજની સમસ્યાથી કાયમી ધોરણે છુટકારો મળશે.
જ્ઞાનસભર સુરતઃ સેન્ટ્રલાઈઝ એજ્યુકેશન સેલ ઉભુ કરાશે
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસ કરતાં 1.50 લાખથી વધુ બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે શાસકો દ્વારા કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે એક નોડલ ઓફિસરની નિમણૂંક કરીને નવું સેન્ટ્રલાઈઝ એજ્યુકેશન સેલ ઉભું કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સિવાય શહેરના અલગ – અલગ વિસ્તારોમાં 10 શાળા ભવનો સાથે 16 શાળાઓમાં વધારાના વર્ગખંડોની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. આ સિવાય પ્રાયોગિક ધોરણે વિવિધ કંપનીના સીએસઆર ફંડમાંથી ઝોન વાઈઝ એક શાળામાં સાયકલ ટુ સ્કુલ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલનું વિતરણ કરવામાં આવશે.