30 જાન્યુઆરીએ રજૂ થઇ શકે છે સુરત કોર્પોરેશનનું બજેટ : મિલકતવેરા-યુઝર ચાર્જીસમાં વધારો નિશ્ચિત
આગામી નાણાકીય વર્ષ 2023-24માં સુરત મનપા(SMC) દ્વારા શહેરીજનો પર મિલકતવેરા અને યુઝર્સ ચાર્જીસમાં 100 કરોડથી વધુનો(Tax) વધારો ઝીંકવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. સરકાર દ્વારા જ તમામ મનપાઓ, નગરપાલિકાઓને છાશવારે વિવિધ પ્રોજેક્ટ, કામગીરી માટે મંગાતી ગ્રાન્ટને બદલે તબક્કાવાર સ્વનિર્ભર થવા માટેની ટકોર કરવામાં આવી છે. જેને પગલે રાજ્યની તમામ મનપાઓ, નગરપાલિકાઓમાં ઓછેવત્તે અંશે મિલકતવેરામાં વધારો કરવામાં આવશે તે નિશ્ચિત છે.
સુરત મનપા કમિશનર દ્વારા રિવાઇઝ અને ડ્રાફટ બજેટ માટેની ઝોન વિભાગ દીઠ બજેટ બેઠકો પૂર્ણ કરી દીધી છે અને આવકની તુલનામાં જ ખર્ચનું સંતુલન જાળવણી કરવાની સૂચનાને પગલે દરેક ઝોન-વિભાગો તરફથી જરૂરી સુધારા કરી દેવાયા છે. એકાઉન્ટ વિભાગ દ્વારા દરેક ઝોન, વિભાગોની છેવટની વિગતો સાથેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આગામી સપ્તાહમાં નવા કમિશનર દ્વારા રિવાઇઝ અને ડ્રાફટ બજેટની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ સરકારની મનપાઓને સ્વનિર્ભર થવાની ટકોર તથા સુરત મનપા દ્વારા સુચિત બેરેજ, સુચિત વહીવટી ભવન, ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ જેવા મહાકાય પ્રોજેક્ટોના આયોજન અને આવકના મર્યાદિત સાધનોને પગલે આગામી વર્ષમાં મિલકતવેરા, યુઝર્સ ચાર્જમા કેટલો વધારો કરવો? તેની મથામણ થઈ રહી છે.
વહીવટી તંત્ર અને શાસકો વચ્ચે આ મુદ્દે સંકલન બનાવવાની કવાયત શરૂ કરી દેવાઈ છે. સૂત્રો મુજબ કોઈપણ સ્થિતિમાં આગામી વર્ષમાં શહેરીજનો પર મિલકતવેરા રૂપે 100 કરોડથી વધુનો આર્થિક ભારણ પડવાનું નિશ્ચિત છે. વિભાગ દ્વારા સુચિત પ્રોજેક્ટોના ખર્ચના સંતુલન માટે આવકના ઉપાર્જન હેતુ તથા છેલ્લા કેટલાક વર્ષોથી મિલકત વેરામાં કોઈપણ પ્રકારનો વધારો થયો ન હોવાથી કર દરમાં તથા યુઝર્સ ચાર્જીસમાં નોંધપાત્ર વધારો સુચવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.